Site icon Revoi.in

અમદાવાદમાં મચ્છરોના ઉપદ્રવ સામે મ્યુનિ.ની ઝૂબેશઃ 133 કન્સ્ટ્રક્શન સાઇટને 6 લાખ દંડ

Social Share

અમદાવાદઃ શહેરીજનો વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે. આકાશમાં ઘટાટોપ વાદળો ગોરંભાયા છે.સાથે હવામાનમાં ભેજનું પ્રમાણ વધતા મચ્છરોનો પણ ઉપદ્રવ પણ વધ્યો છે. શહેરના કેટલાક વિસ્તારોમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે, ત્યારે મ્યુનિ. આરોગ્ય વિભાગની ટીમે શહેરના વિવિધ વિસ્તારમાં મચ્છરના બ્રીડિંગ શોધવા માટેની ઝૂબંશ હાથ ધરી છે. મ્યુનિના આરોગ્ય વિભાગની ઝુબેશ દરમિયાન 133 જેટલી કન્સ્ટ્રકશન સાઇટમાં મચ્છરના બ્રીડિંગ મળી આવતાં તેમને રૂ.6.32 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. નિકોલના પ્રધાનમંત્રી આવાસની સાઇટની એડમિન ઓફિસને મ્યુનિ.એ સીલ કરી દીધી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં મેલેરિયા, ડેન્ગ્યુ, ચીકનગુનિયા સહિતના મચ્છરજન્ય રોગે માથું ઉચક્યું છે. ચોમાસાને કારણે તેમજ કેટલીક કન્સ્ટ્રકશન સાઇટો પર ભરાયેલા પાણીમાં મચ્છરોના બ્રીડિંગ ધ્યાને આવતાં મ્યુનિ. તંત્ર દ્વારા 274 જેટલી કન્સ્ટ્રકશન સાઇટોની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં મચ્છરોના બ્રીડિંગ મળી આવતાં તંત્ર દ્વારા તેમની પાસેથી વહીવટી ચાર્જ વસૂલ્યો છે. મ્યુનિ. દ્વારા કરાયેલી તપાસમાં મધ્યઝોનમાં 13, દક્ષિણ ઝોનમાં 8, દ.પશ્ચિમ ઝોનમાં 18, ઉ.પશ્ચિમ ઝોનમાં 13, પૂર્વઝોનમાં 22, ઉત્તર ઝોનમાં 12 અને પશ્ચિમ ઝોનમાં 47 સાઇટ પરથી મ્યુનિ.એ વહીવટી ચાર્જ વસૂલ્યો હતો. સોમવારથી મ્યુનિ. દ્વારા ફરી ઝૂંબેશ હાથ ધરવામાં આવશે. ઉપરાંત ખાણી-પીણીની લારીઓ સામે પણ સ્વચ્છતા અંગે પગલા લેવામાં આવશે. દર ચોમાસામાં મચ્છરજન્ય રોગચાળો વકરતો હોય છે. આ વખતે વધુ તકેદારી રાખવાની સુચના આપવામાં આવી છે.