અમદાવાદઃ શહેરમાં વસતિ વધારા સાથે વાહનોની સંખ્યામાં પણ ખૂબ વધારો થયો છે. જેના લીધે પાર્કિંગની સમસ્યા વિકટ બનતી જાય છે. શહેરમાં કોમર્શિયલ બિલ્ડિંગોમાં પાર્કિંગની વ્યવસ્થા હોય તો જ બીયુ પરમિશન અપાતી હોય છે. પણ ઘણાબધા કોમર્શિયલ બિલ્ડિંગોમાં પાર્કિંગ એરિયા જ વેચી દેવામાં આવ્યો છે. બીજીબાજુ ખરીદી કરવા આવતા લોકોને પોતાના વાહનો રોડ પર પાર્ક કરવાની ફરજ પડી રહી છે. એના લીધે રોડ પર ટ્રાફિક જામ જાય છે. ત્યારે એએમસી દ્વારા ગેરકાયદે પાર્કિંગ સામે ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. બીજીબાજુ વાહનચાલકો કહી રહ્યા છે. કે વાહનો પાર્ક કરવાની કોઈ જગ્યા જ નથી તેથી રોડ પર વાહનો પાર્ક કરીએ છીએ. પાર્કિંગની જગ્યા બિલ્ડરોએ વેચી દીધી હોય તો તેની સામે મ્યુનિ.એ ઝૂંબેશ શરૂ કરવી જાઈએ.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં જાહેર રોડ પર થતાં ગેરકાયદેસર દબાણ અને પાર્કિંગને લઇ ગુજરાત હાઇકોર્ટ દ્વારા કડક વલણ અપનાવવામાં આવતાં મ્યુનિસિપલ કમિશનર એમ. થેંન્નારસન દ્વારા ગેરકાયદેસર પાર્કિંગને લઇ નવા આદેશ કરવામાં આવ્યા છે. શહેરમાં આવેલા શોપીગ સેન્ટરો, રેસ્ટોરન્ટો, ક્લબો, હોસ્પિટલો, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ, મોલ્સ, કોમર્શિયલ કોમ્પ્લેકસ, ઓફિસ બિલ્ડિંગ, ધાર્મિક સ્થાનો, બગીચાઓ, પાર્ટી પ્લોટો વગેરે જેવા જાહેર સ્થળોની બહાર ટી.પી. રસ્તાની જગ્યામાં થતા ટ્રાફિકને નડતરૂપ થતાં પાર્કિંગને લઇ જે તે સંસ્થાના મેનેજમેન્ટ, ઓનર્સ તથા સંબંધિતોને નોટિસ આપવાની રહેશે. ગેરકાયદેસર રીતે પાર્કિંગ ટી.પી. રસ્તા પર ના થયા તે માટે તેમજ જે તે પ્રીમાઇસીસીમાં જરૂરી પાર્કિંગ વ્યવસ્થા ઉભી કરવા અંગે જરૂરી કાર્યવાહી જાણ કરવાની રહેશે. જેના માટે અલગથી ટીમ ઉભી કરવામાં આવશે.
એએમસીના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, શહેરના સીજી રોડ, નારણપુરા ચાર રસ્તાથી શાસ્ત્રીનગર ચાર રસ્તા, પ્રભાત ચોકથી ગુજરાત હાઇકોર્ટ, એસજી હાઇવે અને પકવાન ચાર રસ્તાથી સેટેલાઇટ કેશવબાગ સુધીના જાહેર રોડ પરના દબાણો દૂર કરવાને લઇ એસ્ટેટ વિભાગના અધિકારીઓને જવાબદારી સોંપી છે. આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને સુપરવિઝનની જવાબદારી સોંપી છે. આ પાંચેય જગ્યાએ જાહેર રોડ પર દબાણો અને પાર્કિંગ દૂર કરવાની સૂચના આપતાં ઝૂંબેશ શરૂ કરાશે. અલગ અલગ સમયે અધિકારીઓએ રાઉન્ડ લઇ જાહેર રસ્તા ઉપરના ટ્રાફિકને નડતરરૂપ દબાણો અને અધિકૃત/ ગેરકાયદેસર કાચા પાકા દાબણો, નડતરરૂપ તથા ગેરકાયદેસર પાર્કિંગ વાહનો દૂર કરવા તથા વહીવટી ચાર્જ પણ વસુલવામાં આવશે. રોડ પરના દબાણો દૂર કરવાની કામગીરીમાં જે તે દબાણવાન દિઠ ઓછામાં ઓછા 1 ઇન્સ્પેક્ટર તથા 2 સબ ઇન્સ્પેક્ટર તથા પુરતા પ્રમાણમાં મજુરો સાથેનો સ્ટાફ રાખવાનો રહેશે. અધિકારીઓએ રૂટ ઉપર થતી કામગીરી અંગે રાઉન્ડ લઇ સુપરવિઝન કરવાનું રહેશે. તથા શીફ્ટ વાઇઝ કરેલી કામગીરીનો રીપોર્ટ સંબંધિત ઝોનના ડે. મ્યુનિસિપલ કમિશનર તથા ડે. મ્યુનિસ્પિલ કમિશનર (એસ્ટેટ)ને કરવાનો રહેશે. ટ્રાફિક પોલીસનો સંપર્ક કરી જે તે રૂટ ઉપર જરૂરી પોલીસ બંદોબસ્ત મળી રહે તે બાબતે પોલીસ વિભાગ સાથે જરૂરી તમામ સંકલન કરવા પણ જણાવ્યું છે. આ બાબતે તેઓના ઝોનના ડે. મ્યુનિસ્પિલ કમિશનર તરફતી સંબંધિત પોલીસ સ્ટેશન ટ્રાફિક શાખાને પત્ર પાઠવવાનો રહેશે.