અમદાવાદઃ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા બાકી પ્રોપર્ટી ટેક્સ સામે વસુલાત ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં પ્રોપર્ટી ટેક્સ વસુલાત ઝુંબેશ હેઠળ 12 જાન્યુઆરીના રોજ બાકી કરદાતાઓની 5216 જેટલી મિલકતો સીલ કરવામાં આવી હતી અને 8.28 કરોડનો ટેક્સ વસુલવામાં આવ્યો હતો.
એએમસીના સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરના પશ્ચિમ ઝોનના જુદા જુદા વિસ્તારમાં આવેલી કોમર્શીયલ મિલકતોનો ઘણાં વર્ષોથી પ્રોપર્ટી ટેક્સ નહિં ભરનારા બાકી ડિફોલ્ટરો સામે કરવેરા વસુલવા સીલ ઝૂંબેશની કામગીરી હાથ ઘરવામાં આવી છે. જે અનુસંધાને મિલક્તોના ટેક્ષની વસુલાત કરવા પશ્વિમ ઝોન ટેક્ષ ખાતા દ્વારા 12 જાન્યુઆરીના રોજ 1251 મિલકતોને સીલ કરવામાં આવી હતી. અને પશ્ચિમ ઝોનમાંથી 1.59 કરોડ ટેક્સની વસુલાત કરવામાં આવી હતી. જ્યારે મધ્ય ઝોનમાં 450 મિલક્તો સીલ કરીને 65 લાખની વસુલાત કરવામાં આવી હતી. ઉત્તર ઝોનમાં 363 મિલકતો સીલ કરીને 68 લાખની વસુલાત કરી હતી. ઉત્તર પશ્વિમ ઝોનમાં 653 મિલકતો સીલ કરીને 2,1 કરોડ તથા દક્ષિણ -પશ્વિમ ઝોનમાં 704 મિલતો સીલ કરીને 1.73 કરોડની વસુલાત કરવામાં આવી હતી. જ્યારે દક્ષિણ ઝોનમાં 607 મિલકતો સીલ કરીને 95 લાખની વસુલાત કરવામાં આવી હતી. પૂર્વ ઝોનમાં 1188 મિલકતો સીલ કરીને 60 લાખની વસુલાત કરવામાં આવી હતી. આગામી દિવસમાં પણ પ્રોપર્ટી ટેક્સ ન ભરનારા સામે સીલીંગ ઝૂંબેશ યથાવત રાખવામાં આવશે. દરમિયાન શુક્રવારે અધિકારીઓની બેઠક મળી હતી. જેમાં શહેરમાં વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાને ધ્યાનમાં રાખી ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી ને લઇ મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારેસને એસ્ટેટ વિભાગની કામગીરી સામે સખત નારાજગી વ્યક્ત કરી હતી.