Site icon Revoi.in

AMCની લાપરવાહી, નરોડામાં રોડ બનાવતાં ગટરના ઢાંકણા દબાવી દેવાયા, કેટલાક તોડી નંખાયા

Social Share

અમદાવાદઃ શહેરમાં બિસ્માર થયેલા રોડ પર ડામર પાથરીને રિસરફેસ કરવામાં આવી રહ્યા છે. કોન્ટ્રાક્ટરો દ્વારા રોડ મરામતના કામો ચાલી રહ્યા છે. જેમાં મ્યુનિ.કોર્પોરેશનના ઈજનેરી વિભાગના અધિકારીઓ કામગીરીનું સુપરવિઝન કરતા હોય છે. તાજેતરમાં જ શહેરના નરોડા વિસ્તારમાં તેમજ જગતપુર વિસ્તારમાં ડામર રોડ બનાવતી વખતે  પુરતી તકેદારી રાખવામાં આવી નહતી. ગટરના ઢાંકણા પર ડામર પાથરી દેવામાં આવ્યો છે. કેટલાક સ્થળોએ તો ગટરના ઢાંકણા પણ તૂટેલા જોવા મળ્યા હતા.  રોડ બનાવવા મામલે યોગ્ય ગુણવત્તા અને કામગીરી મામલે મ્યુનિ. કમિશનર દ્વારા અધિકારીઓને અવારનવાર સૂચના આપાતી હોવા છતાં પણ મ્યુનિના ઇજનેર વિભાગના અધિકારીઓ પુરતું ધ્યાન આપતા નથી.

અમદાવાદ શહેરના નરોડા અને જગતપુર વિસ્તારમાં રોડની બનાવવાની કામગીરીમાં બેદરકારી દાખવવામાં આવી હોવાની ફરિયાદો ઊઠી છે. રોડના લેવલ પ્રમાણે ગટરના ઢાંકણા યોગ્ય રીતે રાખીને રોડ બનાવવાની જગ્યાએ આડેધર રીતે ડામર પાથરી દેવામાં આવ્યો છે. કેટલીક જગ્યાએ ગટરના ઢાંકણા ઊંચા રાખવામાં આવ્યા છે તો કેટલીક જગ્યાએ ઢાંકણાને દબાવી દેવામાં આવ્યા છે. કેટલીક જગ્યાએ તો ગટરના ઢાંકણા પણ આખા તોડી નાખવામાં આવ્યા છે, આમ રોડ બનાવવાની કામગીરી દરમિયાન ગટરના ઢાંકણાનું પુરતું ધ્યાન અપાયુ નથી,

શહેરના નરોડા ગામથી લઈને સુતરના કારખાના સુધી ઉત્તર ઝોનના ઈજનેર વિભાગ દ્વારા રોડ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. કોન્ટ્રાકટર દ્વારા રોડ બનાવતા સમયે ક્યાંક ગટરના ઢાંકણા તોડી નાખવામાં આવ્યા તો કયાંક ગટરના ઢાંકણા ઉપર પણ ડામર નાખી દેવામાં આવ્યો છે. ગટર તૂટેલી હોવા છતાં પણ તેની આસપાસ ડામર નાખી અને રોડ બનાવવામાં આવ્યો છે. નરોડા બસ સ્ટેન્ડ નજીક ગટરના ઢાંકણા પર રોડ બની ગયેલો જોવા મળ્યો હતો. તો કેટલીક જગ્યાએ રોડ સરખો બનાવવામાં આવ્યો નથી. રોડ ઉપર માત્ર એક જ લેયર મારી દેવામાં આવ્યું છે. રોડ પર ક્યાંય લેવલ રાખવામાં આવ્યું હોય તેવું દેખાતું નથી. જ્યારે શહેરના જગતપુર વિસ્તારમાં ઉમા ભવાની ક્રોસિંગથી ગોદરેજ ગાર્ડન સિટી જવાના રોડ ઉપર 100 મીટર સુધી ઉત્તર-પશ્ચિમ ઝોનના ઈજનેર વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી હતી, જેમાં પણ કોન્ટ્રાક્ટર દ્વારા કામમાં બેદરકારી દાખવવામાં આવી હોવાની ફરિયાદો ઊઠી છે. રોડ પર ગટરના ઢાંકણાનું ક્યાંય પણ લેવલ રાખવામાં આવ્યું નથી તો કેટલીક જગ્યાએ ગટરના ઢાંકણા તૂટેલા અને ઊંચા જોવા મળ્યા છે. કેટલીક જગ્યાએ ગટરના ઢાંકણાના કાણા પર પણ ડામર લગાવી દેવાયો છે, જેના કારણે ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો નિકાલ યોગ્ય રીતે થશે નહીં અને પાણી ભરાવાની પૂરેપૂરી શક્યતા છે.