Site icon Revoi.in

અમદાવાદમાં AMCના સિવિક સેન્ટર્સ સોફટવેર અપડેટને લીધે ચાર દિવસ બંધ રહેશે

Social Share

અમદાવાદઃ શહેરમાં AMC દ્વારા નાગરિકની સુવિધાઓ માટે દરેક વિસ્તારમાં સીટી સિવિક સેન્ટર ખોલવામાં આવ્યા છે. જેમાં  મ્યુનિસિપલ કોર્પોરેશનને લગતા પ્રશ્નો, ફરિયાદો અને ટેક્સને લગતી  તમામ પ્રકારની ઓનલાઈન કામગીરી કરવામાં આવે છે. શહેરના મ્યુનિ.ના સિવિક સેન્ટરોમાં જુના સોફ્ટવેરને અપડેટ કરી નવા સોફ્ટવેર ડેવલોપ કરવામાં આવી રહ્યા છે.  જેનો ડેટા બેકઅપ લેવાના હોવાથી તા. 21 જુલાઈથી 24 જુલાઈ સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ સિટી સિવિક સેન્ટરની તમામ સેવાઓ અને ઓનલાઇન તમામ કામગીરી બંધ રહેશે.

મ્યુનિ.ના ઈ ગવર્નન્સ વિભાગના જણાવ્યા મુજબ ચાર દિવસ સુધી આ ડેટા બેકઅપ લેવાની કામગીરી ચાલુ રહેવાની હોવાથી નાગરિકો સિવિક સેન્ટર પરની સુવિધાઓનો લાભ મેળવી શકશે નહીં. સોફ્ટવેર અપડેટ થયા બાદ એટલે કે 25મી જુલાઈથી સેવાઓ નિયમિત મળશે.

AMCના સૂત્રોના જણાવ્યા મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીની જગ્યાઓ પર વગર પરવાનગીએ જાહેરાતના બોર્ડ, બેનર, પોસ્ટર વગેરે લગાવવામાં આવતા દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગે સાઉથ બોપલ, બોપલ અને સરખેજ વિસ્તારમાં 4 એજયુકેશનલ ઇન્સ્ટિટયૂટ સહિત 5 જગ્યાને સીલ કરવામાં આવી છે. એસ્ટેટ વિભાગ દ્વારા આ એકમો દ્વારા વગર પરવાનગીએ જાહેરાતના બોર્ડ બેનર લગાવવામાં આવતા તેને દંડ ભરવાની નોટિસ આપવામાં આવી હતી છતાં પણ આ નોટિસને અવગણી દંડ ન ભરતા તેને સીલ કરવામાં આવી હતી.

સૂત્રોએ ઉમેર્યુ હતુ કે,  શહેરમાં જાહેર રોડ પર ગંદકી કરનારા, પાનના ગલ્લા, ચાની કિટલીઓ પર પ્રતિબંધિત પેપરકપ તેમજ પ્લાસ્ટિક વાપરનારા દુકાનદારો વિરુદ્ધ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઉત્તર પશ્ચિમ ઝોનની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમ દ્વારા ઘાટલોડિયા વિસ્તારમાં જાહેર રોડ ઉપર ગંદકી કરેલી જોવા મળતા હીરાબાગ રોડ પર આવેલી ભેરુનાથ પસ્તી ભંડાર નામની દુકાનને સીલ મારવામાં આવી હતી. 47 જેટલી જગ્યાઓને ચેક કરી 31ને નોટિસ આપવામાં આવી હતી. જ્યારે 8.5 કી.ગ્રા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી રૂ. 33500નો દંડ વસુલયો હતો.