AMCની સ્વચ્છતા ઝૂંબેશ, ગંદકી કરાતા બોડકદેવની પાંચ દુકાનો સીલ, નિકોલમાં દબાણો હટાવાયાં
અમદાવાદઃ શહેરના સ્વચ્છ રાખવા અને જાહેર રસ્તાઓ પર તેમજ દુકાનો, લારી-ગલ્લાની બાજુમાં ગંદકી કરનારા તેમજ દબાણો કરવારા સામે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા છેલ્લા કેટલાક દિવસથી ઝુંબાશ શરૂ કરવામાં આવી છે. જેમાં જાહેર રોડ ઉપર ગંદકી, કચરો ફેંકવો, શાકભાજી વેચતા ફેરિયા, પાનના ગલ્લા ચાની કીટલીઓ વગેરે પર પેપર કપનો વપરાશ, પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ ઉત્પાદન અને સંગ્રહ વગેરે કરનારા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. મ્યુનિની ઉત્તર પશ્ચિમ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા મેમનગર અને બોડકદેવ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જાહેર રોડ પર ગંદકી કરવા બદલ 5 દુકાને સીલ કરવામાં આવી છે. ઉપરાંત 165 દુકાનને તપાસી 156ને નોટિસ આપવામાં આવી હતી. જ્યારે 4.5 કિલો જેટલું પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી 1.74 લાખનો દંડ વસુલવામાં આવ્યો હતો.
શહેરના પૂર્વ વિસ્તારમાં નિકોલ ખાતે આવેલા મંગલ પાંડે હોલની સામે મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટમાં ગેરકાયદેસર રીતે 195થી વધુ દબાણ થઈ ગયા હતા. જેને દૂર કરવામાં આવ્યા હતા. 200થી વધુ પોલીસ કર્મચારીઓના બંદોબસ્ત સાથે એસ્ટેટ વિભાગની ટીમ સવારથી દબાણ દૂર કરવા પહોંચી હતી. સાંજ સુધીમાં 190થી વધુ નાના-મોટા કાચા ઝૂંપડાના મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. તેમજ જાહેર રોડ ઉપર ટ્રાફિકને અડચણરૂપ 59 જેટલા વાહનોને લોક મારી 16,600 દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરમા વધતા જતા એર ક્વોલીટી ઇન્ડેક્સ લઈ એએમસી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. કન્સ્ટ્રક્શન સાઈટો ઉડતી ધૂળ અને રજકણોના કારણે પ્રદૂષણ ફેલાતું હોવાથી કાર્યવાહી કરવાના આદેશને પગલે ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા શહેરના પશ્ચિમ વિસ્તારમાં સોલા પાસે આવેલી એક કન્સ્ટ્રક્શન સાઇટ તેમજ દેવ વિસ્તારમાં એક કન્સ્ટ્રક્શન સાઇટ પર પર્યાવરણની જાળવણી અંગેના પગલા જેવા કે ગ્રીન નેટ સેફ્ટી નેટ તેમજ બેરીકેડ લગાવવામાં આવી નથી જેને લઇને બંને કન્સ્ટ્રક્શન સાઈટને રૂ. 25-25 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ઉપરાંત વિભાગ દ્વારા સરદાર નગર વોર્ડમાં હાંસોલ ખાતે બની રહેલા બે માળના બાંધકામને દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.