અમદાવાદઃ શહેરમાં વરસાદી વાતાવરણને લીધે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકરે નહીં તે માટે મ્યુનિ.ના આરોગ્ય વિભાગ દ્વારા ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. તદઉપરાંત ફુડ વિભાગ દ્વારા અખાદ્ય ચીજ-વસ્તુઓના વેચાણ સામે પણ ફરસાણ અને મીંઠાઈની દુકાનોમાં ચેકિંગ ઝૂંબેશ આદરવામાં આવી છે. છેલ્લાં એક અઠવાડિયા દરમિયાન શહેરના જુદા જુદા વિસ્તારોમાં દરોડાની કાર્યવાહી દરમિયાન 797 દુકાનો હોટલો અને રેસ્ટોરન્ટનું ચેકિંગ કરીને 362ને નોટિસ ફટકારી છે. રૂ. 97400નો દંડ વસૂલ કરાયો છે, તેમજ 559 લાયસન્સ ઈસ્યુ કરાયા છે. 705 કિલો તેમજ 549 લિટર બિનઆરોગ્યપ્રદ ખાદ્ય ચીજવસ્તુઓનો નાશ કરાયો છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, એએમસીના ફૂડ વિભાગના ચેકિંગ દરમિયાન શહેરના સરસપુરમાં કુરેશી દાનીત અને શાહપુરમાં રોયલ મટન હાઉસ નામની દુકાનમાં અનહાઇજેનિક મળી આવતા સીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત અધિક શ્રાવણ મહિનાના તહેવારો હોવાથી બફવડા, શિંગોડાના લોટ, દૂધની બનાવટી ફરાળી ખાદ્ય ચીજવસ્તુઓમાં ભેળસેળ અટકાવવા હેલ્થ- ફુડ વિભાગની ચેકિંગ ઝૂંબેશ સઘન બનાવવામાં આવી છે. મ્યુનિ. દ્વારા 23થી 29 જુલાઈ સુધી ચેકિંગ કરવામાં આવ્યું હતું. ડેરી પ્રોડક્ટ્સના 16, ફરાળી પ્રોડક્ટ્સના 26, મિઠાઈના 3, બેકરીના 8, ખાદ્યતેલના 8, મેંદો, રાજગર લોટ, મોરૈયો-બેસનના 5, મસાલાના 11, તથા અન્ય 55 સહિત કુલ 81 સેમ્પલ લેવામાં આવ્યા છે. એક સપ્તાહ દરમિયાન પાપડી, ફાફડા, ગાંઠિયા સહિત ફરસાણ એક જ તેલમાં તળીને નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનારાઓના ચેકિંગમાં TPCના 71 સેમ્પલ લેવામાં આવ્યા છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, AMCના હેલ્થ- ફુડ વિભાગ દ્વારા હોટલો, રેસ્ટોરેન્ટ, ખાણીપીણીના એકમો અને ખાદ્ય સામગ્રીનું વેચાણ કરતા એકમો, ડેરી, બેકરી, વગેરે જેવા એકમોના સંચાલકો દ્વારા ખાદ્ય ચીજવસ્તુઓમાં ભેળસેળ કરીને નાગરિકોના આરોગ્યને જોખમમાં મૂકનારા સામે સમયાંતરે ચેકિંગ કરવામાં આવે છે. 23 થી 29 જુલાઇ સુધીના ચેકિંગ દરમિયાન 133 શંકાસ્પદ ખાદ્ય પદાર્થના નમૂના લેવામાં આવ્યા છે અને ટેસ્ટિંગ માટે લેબોરેટરીમાં મોકલી અપાયા છે. સરદાર નગરમાં આવેલા સોનલ ગૃહ ઉદ્યોગનો ફાયમ્સનો નમૂનો અપ્રમાણિત જાહેર કરાયો છે.