અમદાવાદઃ શહેરમાં કેટલાક રોડ પર રોડ પરના દબામો હટાવવામાં મ્યુનિ.કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના અધિકારીઓને કોઈ રસ હોય તેમ લાગતું નથી. શહેરના સાત ઝોનમાં ઝોન દીઠ એક રોડને દબાણ મુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અને ટાઉન પ્લાનિંગ કમિટી દ્વારા સુચના પણ આપવામાં આવી હતી. પણ દબાણો હટાવવા માટેની કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. કહેવાય છે કે, લોકસભાની ચૂંટણીને લીધે કાર્યવાહી કરવામાં આવી ન હતી. જે કે ટીપી કમિટીએ આ અંગે રિપોર્ટ માગ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની બેદરકારીથી શહેરના સાત ઝોનમાં ઝોન દીઠ નકકી કરવામા આવેલા એક રોડને દબાણમુકત કરી શકાયો નથી. પાંચ માર્ચ-24ના રોજ મળેલી ટાઉન પ્લાનિંગ કમિટિની બેઠકમાં ઝોન દીઠ એક રોડ દબાણમુકત કરવા નિર્ણય કરાયો હતો.પણ લોકસભાની ચૂંટણીને લીધે આ સંદર્ભે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. શહેરમાં વિવિધ રોડ ઉપર વધતા જતા દબાણને ધ્યાનમા લઈ ઉસ્માનપુરા ક્રોસ રોડ, નહેરુનગર ક્રોસ રોડથી અંજલીક્રોસ રોડ ઉપરાંત સુરધારા સર્કલ,સાલ હોસ્પિટલ ક્રોસ રોડથી જજીસ બંગલા રોડ, નરોડા મુકિતધામ,હંસપુરા બસસ્ટેન્ડથી દહેગામ સર્કલ સુધી ઉપરાંત નારોલ સર્કલ,ચંડોળા લેકથી દાણીલીમડાથી જમાલપુર બ્રિજ તેમજ વિદ્યામંદિર સ્કૂલ રોડ,વસ્ત્રાલ,દિલ્હી દરવાજા ક્રોસ રોડથી શાહીબાગ અંડરપાસ, ઉમિયાહોલ ક્રોસ રોડથી પ્રભાતચોક સહિતના રોડ દબાણમુકત કરવા એસ્ટેટ વિભાગને આદેશ અપાયો હતો.
ટી.પી.કમિટી ચેરમેનના કહેવા મુજબ, એસ્ટેટના અધિકારીઓને કમિટીની આગામી બેઠકમાં આપવામા આવેલી સુચના બાદ કયાં-કેટલો અમલ કરાયો એ અંગે સંપૂર્ણ વિગત માંગી છે.રથયાત્રાના રુટ ઉપર આવેલા ભયજનક મકાનનો સર્વે કરી નોટિસ આપવા એસ્ટેટ વિભાગને કમિટી બેઠકમાં સુચના અપાઈ હતી. તેમજ મ્યુનિ.ના પે એન્ડ પાર્કીંગમાં કયુ.આર.કોડ સિસ્ટમ લાગુ કરી પાર્કિંગ માટેના ચાર્જ વસૂલવા સિસ્ટમ ઊભી કરવામા આવશે.