અમદાવાદઃ શહેરમાં નવા વાહનો માટે HSRP નંબર પ્લેટ્સ લગાવવાની રજિસ્ટ્રેશનની જવાબદારી ઓટો ડિલરોને આપવામાં આવી છે. ત્યારે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને પણ વિહીકલ ટેક્સની જવાબદારી પણ ડિલરોને સોંપી છે. અને વાહનોના ડિલરો દ્વારા જ હવે વ્હીકલ ટેક્સ ઓનલાઈન ભરવાનો રહેશે. અત્યાર સુધી નાગરિકોએ સિવિક સેન્ટર ઉપર જઈ ટેક્સ ભરવાનો રહેતો હતો. પરંતુ હવે વ્હીકલ ટેક્સ ઓનલાઈન કરી દેવામાં આવ્યો છે. જેથી વાહનના ડિલરે જ તમામ વાહનોની એન્ટ્રી કરી કોર્પોરેશનમાં સીધો ટેક્સ ભરવાનો રહેશે. નાનવું વાહન ખરીદતા લોકોએ માત્ર હવે વ્હીકલ ટેક્સ ના પૈસા જ ડિલરને ચૂકવવાના રહેશે.
એએમસીના રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્રોપર્ટી ટેક્સ સહિતના વિવિધ ટેક્સ પ્રક્રિયા ઓનલાઈન કરી દેવામાં આવી છે. હવે વ્હીકલ ટેક્સ પણ ઓનલાઇન ભરવાનો રહેશે. ઓનલાઇન પ્રક્રિયા કરવાથી નાગરિકોનો સમય બચશે. હવે ટેક્સ ભરવાની તમામ જવાબદારી ડિલરોને સોંપવામાં આવી છે. જેથી ડિલરે સોફ્ટવેરમાં વાહનોની એન્ટ્રી કરવાની રહેશે. આજથી જ આ ઓનલાઈન પ્રક્રિયા અમલીકરણ કરવામાં આવી છે. પરંતુ જ્યાં સુધી સંપૂર્ણ પણે ન થાય ત્યાં સુધી સિવિક સેન્ટર ઉપર ડિલર્સ દ્વારા વ્હીકસ ટેક્સ ભરી શકાશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા વ્હીકલ ટેક્સ ન ભરવા અંગે 66,000 જેટલી નોટિસ વાહન માલિકોને આપવામાં આવી હતી. વાહન માલિકો દ્વારા ડિલરોને ટેક્સના પૈસાની ચુકવણી તો કરવામાં આવી હતી, પરંતુ કેટલાક વાહનોના ટેક્સ જ ભરવામાં આવ્યા નહોતા. જેથી નોટિસ આપી અને તે ટેક્સની રિકવરી કરવામાં આવી હતી. આ સમગ્ર ભ્રષ્ટાચારને રોકવા માટે થઈ અને હવે ઓનલાઇન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
એએમસીના ટેક્સ વિભાગના સૂત્રોના કહેવા મુજબ ઓટો ડીલર્સને વ્હીકલ ટેક્સ ઓનલાઈન કેવી રીતે ભરવો તેની સમજણ આપવામાં આવશે, સૌ પ્રથમ વાહનના ડિલર દ્વારા વ્હીકલ ટેક્સના મોડ્યુલમાં રજીસ્ટ્રેશન કરશે. ડિલર મુજબ યુઝર નેમ અને પાસવર્ડ જનરેટ થશે. આ પ્રક્રિયા વાહનના ડિલરે એક જ વખત કરવાની રહેશે. ત્યારબાદ ડિલરે તેમના તમામ વાહનોના ઇન્વોઇસની વિગતો (સોફ્ટ કોપી) અપલોડ કરાવી જોડવાની થશે. ઇન્વોઇસની રકમના આધારે વ્હીકલટેસની રકમ ઓટો જનરેટ થશે અને ડિલરે વ્હીકલ ટેક્સ રકમ ઓનલાઇન ચુકવવાની રહેશે. ઓનલાઇન રકમ ભર્યા બાદ ક્યુઆર કોડ સાથે ટોકન રસીદ ઓટો જનરેટ થશે, જેની પ્રિન્ટ ડિલર જાતે મેળવી શકશે. વ્હીકલ ટેક્સ ભરવાની સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઇન મારફતે થશે. કોઇપણ ડિલર વાહન માલિકને મ્યુનિ. કોર્પોરેશન કે સિટી સિવિક સેન્ટરમાં જવાની જરૂર પડશે નહી. જે સોફટ કોપી અપલોડ થશે જેની વ્હીકલ ટેક્સ ખાતા દ્વારા ચકાસણી કરવામાં આવશે. જો કોઇ વિસંગતતા જણાય તો ડિલરનું રજીસ્ટ્રેશન કેન્સલ કરવા સુધીના પગલાં લેવામાં આવશે.