અમેરિકાએ મહાવિનાશના સૌથી ઘાતક હથિયાર બનાવવાની જાહેરાત કરી
દિલ્હી: ઈઝરાયેલ-હમાસ અને રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે અમેરિકાએ મહા વિનાશના સૌથી ઘાતક હથિયાર બનાવવાની જાહેરાત કરી છે. વિશ્વમાં ત્રીજા વિશ્વયુદ્ધના ખતરાને જોતા અમેરિકાએ હિરોશિમા પર ફેંકાયેલા પરમાણુ બોમ્બ કરતા 24 ગણો વધુ શક્તિશાળી નવો પરમાણુ બોમ્બ બનાવવાની જાહેરાત કરી છે.
રિપોર્ટ અનુસાર અમેરિકા આધુનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નવો પરમાણુ બોમ્બ બનાવવા જઈ રહ્યું છે. અહેવાલ મુજબ, પેન્ટાગોન B61 પરમાણુ ગુરુત્વાકર્ષણ બોમ્બના આધુનિક સંસ્કરણને આગળ ધપાવવા માટે યુએસ કોંગ્રેસની મંજૂરી અને ભંડોળની રાહ જોઈ રહ્યું છે.નવા પરમાણુ બોમ્બનું નામ B61-13 હશે. જ્યારે થોડા મહિના પહેલા જ અમેરિકી રાષ્ટ્રપતિએ જાપાનના હિરોશિમામાં બીજા વિશ્વયુદ્ધના પીડિતોને શ્રદ્ધાંજલિ આપતાં વિશ્વને પરમાણુ હથિયારોથી મુક્ત કરવાનો સંકલ્પ કર્યો હતો.
પરંતુ હવે અમેરિકાની આ નવી જાહેરાતથી સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. થોડા દિવસ પહેલા જ અમેરિકાએ પણ પોતાના પરમાણુ હથિયારોનું ફરી પરીક્ષણ કરવાની વાત કરી હતી. પેન્ટાગોને કહ્યું કે સમય અને આધુનિક વૈશ્વિક વાતાવરણની સ્થિતિને કારણે તે પોતાના જૂના પરમાણુ હથિયારોનું ફરી પરીક્ષણ કરવા માંગે છે.
આ દરમિયાન અમેરિકા દ્વારા નવા પરમાણુ બોમ્બની આ જાહેરાતથી સૌને આશ્ચર્ય થયું છે. બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન અમેરિકાએ 6 ઓગસ્ટ 1945ના રોજ જાપાનના શહેરો હિરોશિમા અને નાગાસાકી પર બે પરમાણુ બોમ્બ ફેંક્યા હતા. આ વિસ્ફોટમાં 2.25 લાખથી વધુ લોકો માર્યા ગયા હતા. હવે વિશ્વ ત્રીજા વિશ્વ યુદ્ધ તરફ આગળ વધી રહ્યું છે.