અમેરિકાઃ રેસ્ટોરન્ટની સર્વિસથી નારાજ મહિલાએ મેનેજર ઉપર ગરમા-ગરમ સૂપ નાખ્યું
Vinayak Barot
Social Share
દિલ્હીઃ અમેરિકાની એક રેસ્ટોરન્ટની સર્વિસથી નારાજ મહિલાએ ગરમા-ગરમ સૂપ મેનેજરના મોઢા ઉપર ફેંકીને રોષ વ્યક્ત કર્યો હતો. જો કે, મેનેજરને કોઈ ગંભીર ઈજા થઈ ન હતી. આ સમગ્ર ઘટના રેસ્ટોરન્ટમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મહિલાની સાથે એક યુવાન પણ હતો. આ ઘટના બાદ બંને સ્થળ ઉપરથી પલાયન થઈ ગયા હતા.
મીડિયા રિપોર્ટ અનુસાર આ ઘટના અમેરિકાના ટેક્સાસ સ્થિત એક રેસ્ટોરન્ટમાં સર્જાઈ હતી. મહિલાએ સૂપનો ઓર્ડર કર્યો હતો. ડિલીવરીના થોડા સમય પછી મહિલાએ રેસ્ટોરન્ટને કોલ કર્યો હતો અને મેનેજરને ફરિયાદ કરી હતી. મહિલાએ કહ્યું હતું કે, સૂપ એટલો ગરમ હતો જેના કારણે પ્લાસ્ટિકનું ઢાકણ ઓગળી ગયું હતું. ફોન ઉપર તકરાર બાદ મહિલા સીધી રેસ્ટોરન્ટ પહોંચી હતી. રેસ્ટોરન્ટમાં પહોંચીને મહિલાએ મેનેજર જેનેલ બ્રોલેન્ડને સૂપનું બોક્સ બતાવીને તકરાર કરી હતી. જેથી બંને વચ્ચે તકરાર થઈ હતી. દરમિયાન અચાનક મહિલાએ સૂપનું બોક્સ ઉઠાવીને ગરમ સૂપ મેનેજર ઉપર ફેંડ્યું હતું. જેથી મેનેજરે તેને પકડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ મહિલા પલાયન થઈ ગઈ હતી. આ ઘટના અંગે મેનેજરે પોલીસને જાણ કરી હતી. મેનેજરે કહ્યું હતું કે, મહિલાની ફરિયાદને પગલે માફી માંગીને નાણા પરત કરવાની તૈયારી પણ દર્શાવી હતી. જો કે, મહિલાએ અપશબ્દો બોલીને સૂપ મોઢા ઉપર નાખીને ચાલી ગઈ હતી. આ ઘટના અંગે પોલીસે મેનેજરની ફરિયાદના આધારે ગુનો નોંધીને મહિલાની શોધખોળ આરંભી હતી.