Site icon Revoi.in

અમેરિકાનું ભારત અને પાકિસ્તાનના સંબંધોને લઈને મહત્વનું નિવેદન, કહ્યું- અમે મધ્યસ્થી નહીં કરીએ

Social Share

નવી દિલ્લી: અમેરિકામાં જો બાઈડનના રાષ્ટ્રપતિ બન્યા પછી આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકાના સંબંધો નોંધપાત્ર રીતે બદલાયા છે. આવા સમયમાં અમેરિકી વિદેશપ્રધાન એન્ટની બ્લિન્કેનની ભારત મુલાકાત પહેલાં જ જો બાઈડન સરકાર દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે જે ભારતની તરફેણમાં હોય તેવું લાગી રહ્યું છે.

બાઇડેન વહીવટીતંત્રે ભારત સરકારને રાજી કરતાં સ્પષ્ટતા કરી છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે અમેરિકા મધ્યસ્થી નહીં કરે.

એન્ટની બ્લિન્કેનની ભારત મુલાકાત પહેલાં દક્ષિણ અને મધ્ય એશિયા માટે સહાયક વિદેશપ્રધાન ડીન થોમ્પસને શુક્રવારે પત્રકારોને જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાને પોતાની વચ્ચેની સમસ્યાઓ જાતે જ ઉકેલવાની છે. અમેરિકા બંને દેશોને સ્થિર સંબંધો ઊભા કરવા સતત પ્રયાસ કરવા પ્રોત્સાહન આપતું રહ્યું છે. ટ્રમ્પ શાસનકાળમાં તત્કાલીન પ્રમુખ ટ્રમ્પે પોતે અનેક વાર ભારત-પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરવાની ઓફર કરી હતી. પરંતુ ભારત વારંવાર સ્પષ્ટતા કરી ચૂક્યું છે કે દ્વિપક્ષીય સંબંધોમાં તે કોઇ મધ્યસ્થીની તરફેણ નથી કરી રહ્યું.

જાણકારો દ્વારા એન્ટની બ્લિન્કનની ભારત મુલાકાત પહેલા તેવા અંદાજ લગાવવામાં આવી રહ્યા છે કે આ વર્ષે વોશિંગ્ટનમાં મળનારી ટુ પ્લસ ટુ બેઠકના એજન્ડાને નક્કી કરવામાં મદદ મળશે.

અમેરિકી વિદેશપ્રધાન એન્ટની બ્લિન્કેન આવતી કાલે એટલે 27 જુલાઇના રોજ ભારતની બે દિવસની મુલાકાતે આવવાના છે. 28 જુલાઇના રોજ તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશપ્રધાન એસ.જયશંકરને મળશે. ભારતના નેતાઓ સાથે તેઓ કોવિડ-19 મોરચે સહયોગ ચાલુ રાખવા, પ્રાદેશિક સુરક્ષા અને હિતો જેવા મુદ્દે ચર્ચા કરી શકે છે. બે દિવસીય મુલાકાત દરમિયાન તેઓ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલને પણ મળશે. આ મુલાકાત બાદ ભારત અને અમેરિકાના સંબંધો વધારે મજબૂત થઈ શકે છે.