અમેરિકાઃ ચીની ઉત્પાદનો પર ભારે આયાત ડ્યુટી લગાવવા નિર્ણય
નવી દિલ્હીઃ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને ચીનના ઈલેક્ટ્રિક વાહનો, બેટરી, સ્ટીલ, સોલાર સેલ અને એલ્યુમિનિયમ પર ભારે ડ્યૂટી લાદી છે. તેમનું કહેવું છે કે આ સુનિશ્ચિત કરશે કે અમેરિકન કામદારો અન્યાયી વેપાર પ્રથાઓથી પ્રભાવિત ન થાય.
જેમાં ચાઈનીઝ ઈલેક્ટ્રિક વાહનો પર 100 ટકા ડ્યૂટી, સેમિકન્ડક્ટર પર 50 ટકા ડ્યૂટી અને ઈલેક્ટ્રિક વ્હીકલ બેટરી પર 25 ટકા ડ્યૂટી સામેલ છે. વ્હાઇટ હાઉસના રોઝ ગાર્ડનમાંથી રાષ્ટ્રને સંબોધનમાં જો બાઈડેને કહ્યું હતું કે અમેરિકા કોઈપણ પ્રકારની કાર ખરીદવાનું ચાલુ રાખશે પરંતુ તે ચીનને આ કારોના બજાર પર અયોગ્ય રીતે નિયંત્રણ રાખવાની મંજૂરી આપશે નહીં. અમેરિકા ચીન સાથે વાજબી સ્પર્ધા ઈચ્છે છે વિવાદ નહીં. ચીન સામે 21મી સદીની આર્થિક સ્પર્ધા જીતવા માટે અન્ય કોઈપણ દેશ કરતાં વોશિંગ્ટન સારી સ્થિતિમાં છે.
જો બાઈડેને આક્ષેપ કર્યો હતો કે યુએસ સરકારે વર્ષોથી ચીની કંપનીઓના ઘણા ઉદ્યોગોમાં નાણાંનું રોકાણ કર્યું છે. તેમાં સ્ટીલ અને એલ્યુમિનિયમ, સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રિક વાહનો, સોલાર પેનલ્સ અને ગ્લોવ્સ અને માસ્ક જેવા મુખ્ય આરોગ્ય સાધનોનો સમાવેશ થાય છે.
વર્તમાન ટેરિફ વધારાથી ચીની ઉત્પાદનોમાં $18 બિલિયનનો વધારો થશે. ઈલેક્ટ્રિક વાહનો, સ્ટીલ અને એલ્યુમિનિયમ અને સોલાર સેલ પરના ટેરિફ આ વર્ષથી લાગુ થશે અને ચિપ્સ પરની ડ્યૂટી આવતા વર્ષથી લાગુ થશે. યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ કેથરિન તાઈએ જણાવ્યું હતું કે વહીવટીતંત્રે બેઇજિંગને અગાઉથી સૂચના આપી હતી.