અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કાશ્મીર મામલાને લઈને દાવો કર્યો છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશ્મીર મામલાના સમાધાન માટે અમેરિકાની મદદ માંગી હતી. ટ્રમ્પે સોમવારે આ વાત પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સાથેની મુલાકાત દરમિયાન કહી હતી. જો કે હવે ટ્રમ્પના નિવેદન પર દિલ્હીથી વોશિંગ્ટન સુધીના દબાણના પરિણામે વ્હાઈટ હાઉસે સ્પષ્ટીકરણ આપીને ભારતે કાશ્મીર મામલે કોઈ મધ્યસ્થતાની વાત કરી નહીં હોવાનું સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે. એટલે કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો ખોટો હોવાનું એક રીતે વ્હાઈટ હાઉસના સ્પષ્ટીકરણમાંથી તારવી શકાય છે.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખના દાવાને ભારતીય વિદેશ મંત્રાલયે રદિયો આપ્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યુ છે કે વડાપ્ધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમઉખ ડોનાલ્ડ ટ્રમ્પને આવો કોઈ અનુરોધ કર્યો નથી. કાશ્મીરના મામલામાં ભારત પોતાના વલણ પર અડગ છે. બીજી તરફ કાશ્મીરના મામલામાં મધ્યસ્થતાને લઈને ટ્રમ્પના દાવાની પોલ ડેમોક્રેટિક સાંસદ બ્રેડ શેરમને ખોલી છે. શેરમને કહ્યુ છે કે તમામ જાણે છે કે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્યારેય આવી વાત કરશે નહીં. ટ્રમ્પનું નિવેદન ખોટું અને શરમજનક છે.
હવે સવાલ ઉઠી રહ્યો છે કે આખરે કાશ્મીરને લઈને ટ્રમ્પે આટલું મોટું જૂઠ્ઠાણું કેમ ચલાવ્યું? ટ્રમ્પે પોતાના સૌથી મોટા જૂઠ્ઠાણા દ્વારા આખરે શું મેળવવાની મનસા રાખી છે? કાશ્મીર પર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખનું નિવેદન આવે સમયે આવ્યું છે કે જ્યારે ભારતે ચંદ્રયાન-2નું સફળ લોન્ચિંગ કરીને તેની ઉજવણી કરી છે. પરંતુ ટ્રમ્પના મોદીને ટાંકીને બોલવામાં આવેલા જૂઠ્ઠાણાથી ચંદ્રયાન મિશનની સફળતાની ચમકને મીડિયાની હેડલાઈનોમાં ઓછી કરવાની કોશિશ કરવામાં આવી છે.
કાશ્મીર પર ટ્રમ્પના જૂઠ્ઠાણાના પાંચ કારણો હોઈ શકે છે –
- પોતાના નિવેદનથી ટ્રમ્પ એ દર્શાવા ચાહે છે કે ભલે ભારતની હેસિયત વધી ગઈ હોય, પરંતુ હજી પણ તેઓ તેના મામલામાં ટાંગ અડાવી શકે છે?
- વડાપ્રધાન મોદીના નામે આપવામાં આવેલા નિવેદન પાછળ ટ્રમ્પની હસરત ખુદને દુનિયાના સૌથી શક્તિશાળી નેતા સાબિત કરવાની હોવાની પણ સંભાવના છે.
- ટ્રમ્પ પોતાના જૂઠ્ઠાણાં દ્વારા પાકિસ્તાનને ખુશ કરવાની મનસા ધરાવતા હોવાની શક્યતા છે. જેથી પાકિસ્તાન ચીનનો સાથ છોડીને સંપૂર્ણપણે અમેરિકાના શરણે આવી જાય.
- અમેરિકાના મિશન અફઘાનિસ્તાનમાં પાકિસ્તાની સેનાની મદદ લેવાની મજબૂરી પણ ટ્રમ્પના જૂઠ્ઠાણાનું એક કારણ હોઈ શકે છે.
- અમેરિકાના ઘણાં ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખોને શાંતિની કોશિશો બદલ નોબલ પ્રાઈઝ મળી ચુક્યા છે. કદાચ કાશ્મીર મુદ્દાને ઘસડીને ટ્રમ્પ પણ ખુદને નોબલ પ્રાઈઝની રેસમાં સામેલ કરવાની ચાહત ધરાવતા હોવાની શક્યતા છે.