Site icon Revoi.in

અમેરિકા : રાહુલ ગાંધીના કાર્યક્રમમાં ખાલિસ્તાની સમર્થકોએ ખાલિસ્તાની ઝંડો લહેરાવ્યો

Social Share

વોશિંગ્ટનઃ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી હાલ અમેરિકાના પ્રવાસે છે. દરમિયાન સાન ફ્રાન્સિસ્કોમાં રાહુલ ગાંધીના એક કાર્યક્રમમાં ખાલિસ્તાનીઓએ વિક્ષેપ નાખ્યો હતો. આ કાર્યક્રમમાં ખાલિસ્તાની સમર્થકોએ ખાલીસ્તાનનો ઝંડો લહેરાવીને સુત્રોચ્ચાર કર્યાં હતા. એટલું જ નહીં ખાલિસ્તાની આતંકવાદીએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીને ધમકી આપતો વીડિયો શેર કર્યો હતો. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને અમેરિકાની મુલાકાત દરમિયાન ખાલિસ્તાની સમર્થકોનો સામનો કરવો પડ્યો હતો. રાહુલ ગાંધી સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય સમુદાયને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે હોલમાં બેઠેલા ખાલિસ્તાની સમર્થકોએ સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. તેઓએ હવામાં ખાલિસ્તાની ઝંડા લહેરાવ્યા અને ખાલિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા. જવાબમાં રાહુલ ગાંધીએ હસતાં હસતાં કહ્યું, ‘નફરતના શહેરમાં પ્રેમની દુકાન‘. દરમિયાન આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ રાહુલ ગાંધી અને પીએમ મોદીને ધમકી આપતો વીડિયો જાહેર કર્યો હતો.

આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર શેર કરાયેલા એક વીડિયોમાં શીખ ફોર જસ્ટિસના નેતા ગુરપતવંત સિંહ પન્નુ રાહુલ ગાંધી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ધમકી આપતા જોવા મળી રહ્યા છે. અમેરિકા સ્થિત મોસ્ટ વોન્ટેડ આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ વીડિયોમાં કહે છે કે, રાહુલ ગાંધી અમેરિકામાં જ્યાં પણ જશે ત્યાં તેમની સામે ખાલિસ્તાની ઊભા રહેશે. તેમનું કહેવું છે કે આગામી 22 જૂને પીએમ મોદીનો વારો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ કેનેડા, ઓસ્ટ્રેલિયા અને યુકે સહિતના દેશોમાં ખાલીસ્તોનીઓએ ભારત વિરોધી દેખાવો કર્યાં હતા. જેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારને નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ જે તે દેશોને આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. હવે અમેરિકામાં રાહુલ ગાંધીના કાર્યક્રમમાં ખાલિસ્તાની સમર્થકોના દેખાવોને પગલે ફરી એકવાર ભારત સરકાર એક્શનમાં આવ્યું છે.