Site icon Revoi.in

અમેરિકાએ ફરી એકવાર PM મોદીના વખાણ કર્યા, G-20ના સંમેલન અંગે કહી મહત્વની વાત

Social Share

ઇન્ડોનેશિયા: ઇન્ડોનેશિયાના બાલીમાં આયોજિત G-20 સમિટ હાલમાં જ પૂર્ણ થઈ ગઈ છે. આગામી G-20 સમિટની અધ્યક્ષતા ભારતને સોંપવામાં આવી છે. ત્યારે  અમેરિકાએ G-20 સમિટ બાલીમાં ભારતની ભૂમિકાની પ્રશંસા કરતાં સમિટના ‘ઘોષણાપત્ર’  પર ભારતના ભરપૂર વખાણ કાર્ય છે. તારીખ 15 અને 16 નવેમ્બરે આયોજિત આ સમિટમાં વિશ્વના અનેક દેશોએ ભાગ લીધો હતો અને તેમના રાષ્ટ્રપ્રમુખ કે અધ્યક્ષોએ તેમાં હાજરી આપી હતી. જે અંતર્ગત ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન અને બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક સહિત અન્ય નેતાઓને પણ મળ્યા હતા.

વ્હાઇટ હાઉસના પ્રિન્સિપલ ડેપ્યુટી નેશનલ સિક્યુરિટી એડવાઈઝર જ્હોન ફાઈનરે આ સમિટ અંગેના પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ G-20 સમિટમાં સંયુક્ત નિવેદન પર સહમતિ દર્શાવવામાં અગત્યની ભૂમિકા ભજવી છે.

તો બીજી તરફ વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ કારેન જીન-પિયરે પણ પોતાની અન્ય એક પ્રેસ કોન્ફરન્સમાં ભારત અને મોદીની ભૂમિકા અંગે આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું કે,  “ભારતે G-20 સમિટની ઘોષણા પર વાટાઘાટો કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.”

ઉલ્લેખનીય છે કે G-20ની આગામી સમિટ ભારતમાં આયોજિત થવાની છે. જે  સપ્ટેમ્બર 2023માં યોજાશે. ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ 16 નવેમ્બરે G-20નું અધ્યક્ષપદ એક વર્ષ માટે  ભારતને સોંપ્યું છે. આ અધ્યક્ષપદ સ્વીકારતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આ દરેક ભારતીય માટે ગર્વની વાત છે. 1 ડિસેમ્બરથી, ભારત ઔપચારિક રીતે G-20નું પ્રમુખપદ સંભાળશે.

(ફોટો: ફાઈલ)