દિલ્હી:ભારતમાં યુએસ એમ્બેસીએ આ વર્ષે જૂનથી ઓગસ્ટ મહિનામાં રેકોર્ડ 90 હજાર સ્ટુડન્ટ વિઝા જારી કર્યા છે. અમેરિકાએ 3 મહિનાના સમયગાળામાં ભારતીય વિદ્યાર્થીઓને આટલી મોટી સંખ્યામાં વિઝા અગાઉ ક્યારેય આપ્યા ન હતા. અમેરિકાએ ભારતીય વિદ્યાર્થીઓને કેટલી પ્રાધાન્યતા આપી છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે વિશ્વનો દરેક ચોથો વિદ્યાર્થી જેને અમેરિકન સ્ટુડન્ટ વિઝા મળે છે તે ભારતનો છે.
ભારતમાં યુએસ એમ્બેસીએ સોમવારે X પર એક પોસ્ટમાં આની જાહેરાત કરતા કહ્યું કે, અમે આ માહિતી શેર કરતા ખૂબ જ ખુશ છીએ. યુએસ એમ્બેસીએ X પર લખ્યું,ભારતમાં અમેરિકી મિશનને આ ઘોષણા કરતાં ખુશી થઈ રહી છે કે અમે આ જૂન,જુલાઇ અને ઓગસ્ટ મહિનામાં રેકોર્ડ સંખ્યામાં 90,000 થી વધુ વિધાર્થીઓને વિઝા જારી કર્યા છે. આ ઉનાળામાં દુનિયાભરમાં લગભગ 4 માંથી એક વિધાર્થી વિઝા ભારતમાં જારી કરવામાં આવ્યા હતા. યુએસ એમ્બેસીએ ભારતીય વિદ્યાર્થીઓને તેમના ઉચ્ચ શિક્ષણના લક્ષ્યોને આગળ ધપાવવા માટે યુએસ પસંદ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
જૂન, જુલાઈ અને ઓગસ્ટ દરમિયાન 90,000 થી વધુ સ્ટુડન્ટ વિઝા આપવામાં આવ્યા છે, અમેરિકા ટૂંક સમયમાં વાર્ષિક ધોરણે નવો રેકોર્ડ બનાવવા માટે તૈયાર છે. હાલમાં, અમેરિકન શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા અમેરિકાના તમામ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના 20 ટકાથી વધુ છે
હાલમાં જ ભારતમાં અમેરિકાના રાજદૂત એરિક ગારસેટીએ કહ્યું હતું કે પ્રથમ વખત ટૂરિસ્ટ વિઝા ઇન્ટરવ્યુ માટે રાહ જોવાનો સમય 50 ટકા ઓછો કરવામાં આવ્યો છે. IIT દિલ્હીમાં બોલતા, ગારસેટ્ટીએ કહ્યું હતું કે ભારત-યુએસ વિઝા પ્રક્રિયા આટલી ઝડપી પહેલા ક્યારેય નહોતી.