વોશિગ્ટન : રશિયા-યુક્રેન જંગમાં અમેરિકા યુક્રેનને 400 મિલિયન ડોલરની સહાયતા મોકલી રહ્યું છે. સહાય પેકેજ મોકલી રહ્યું છે. વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર યુએસએ 24 ફેબ્રુઆરીએ રશિયાના આક્રમણ પછી યુક્રેનને 19 બિલિયન ડોલરથી વધુ શસ્ત્રો અને અન્ય જરૂરી ઉપકરણો મોકલ્યા છે, જેમાં આ નવા સહાય પેકેજનો પણ સમાવેશ થાય છે.
આ દરમિયાન, બ્રિટનના સંરક્ષણ પ્રધાન બેન વેલેસે નોર્વેની મુલાકાત દરમિયાન જાહેરાત કરી હતી કે બ્રિટન પણ યુક્રેનને સહાય પેકેજ મોકલશે, જેમાં વધારાના 10 હજાર તોપગોળાનો સમાવેશ થશે. યુકે સરકારે કહ્યું કે, વધારાના તોપગોળા યુક્રેનની રક્ષણાત્મક ક્ષમતાને વધારશે. આ સિવાય અગત્યની શોધ અને બચાવ કામગીરી માટે ‘સી કિંગ’ હેલિકોપ્ટરની પહેલી બેચને પણ યુક્રેન મોકલવામાં આવશે. વેલેસે જણાવ્યું, “યુક્રેન માટે અમારું સમર્થન અતૂટ છે. વધારાના આ તોપગોળાઓથી યુક્રેનને એ જમીનની સુરક્ષા કરવામાં મદદ મળશે, જે જમીન તેણે હાલમાં જ રશિયા પાસેથી છોડાવી છે.”
હાલમાં જ બ્રિટને લશ્કરી સહાયતાના રૂપમાં યુક્રેનને લેસર-ગાઇડેડ બ્રિમસ્ટોન મિસાઇલનું અપડેટેડ મોડલ મોકલ્યું હતું, જેની રેંજ એની પહેલાંની ડિઝાઇન કરતાં બમણી છે. યુક્રેનને રશિયન સેનાને પાછળ ધકેલવામાં મદદ કરવા માટે રોયલ એરફોર્સ દ્વારા બ્રિમસ્ટોન-2 મિસાઇલોની સપ્લાય કરવામાં આવી હોવાના ફૂટેજ પણ બહાર આવ્યા છે. ઈરાન દ્વારા નિર્મિત શહીદ-136 ડ્રોનના વધતા જતાં હુમલામાં બ્રિમસ્ટોન મિસાઈલ ઘણી પ્રભાવશાળી સાબિત થઈ શકે છે. બ્રિટને લગભગ છ મહિના પહેલાં યુક્રેનને બ્રિમસ્ટોન મિસાઈલો આપી હતી. જેના કારણે જ રશિયન સેનાના હથિયારોને ભારે નુકસાન થયું હતું.
(ફોટો: ફાઈલ)