અમેરિકાએ 52 પાકિસ્તાની પ્રવાસીઓને સ્વદેશ મોકલી દીધા છે. આ પ્રવાસીઓ કડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે વિશેષ વિમાનથી ઇસ્લામાબાદ પહોંચ્યા. ગુરૂવારે મીડિયામાં આવેલા સમાચારોમાં આ જાણકારી આપવામાં આવી. પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ મંગળવારે પાકિસ્તાનની નેશનલ અસેમ્બલીની વિદેશી મામલાઓ સંબંધિત સ્થાયી સમિતિને સૂચન કર્યું કે અમેરિકન અધિકારીઓએ ઇમિગ્રેશન ઉલ્લંઘન, આપરાધિક આચરણ અને અન્ય ગંભીર આરોપોના આધાર પર પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરી અને કેસ ચલાવ્યો.
‘ડોન’ ન્યુઝપેપરે ઇમિગ્રેશન સૂત્રોના હવાલાથી જાણકારી આપી કે 53 પાકિસ્તાની નાગરિકોએ સ્વદેશ આવવાનું હતું, પરંતુ બુધવારે 52 નાગરિકો જ દેશ પહોંચ્યા કારણકે એક વ્યક્તિ અમેરિકન એરપોર્ટ પર બીમાર થઈ ગયો હતો, એટલે તેને સ્વદેશ મોકલી શકાયો નહીં. પાકિસ્તાની નાગરિકો જ્યારે ઇસ્લામાબાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતર્યા ત્યારે અમેરિકન સુરક્ષા અધિકારી તેમની સુરક્ષા કરી રહ્યા હતા. વિમાનના લેન્ડ થયા પછી તરત જ તેમણે આ નાગરિકોને પાકિસ્તાની અધિકારીઓને સોંપી દીધા.
સમાચાર પ્રમાણે, ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને વીઝાની મુદત પૂરી થયા છતાંપણ અમેરિકામાં રહેતા વિદેશીઓ વિરુદ્ધ તાજેતરમાં અભિયાન શરૂ કર્યું છે. આ 52 પાકિસ્તાનીઓ આવા જ વિદેશી નાગરિકો હતા જે અમેરિકામાં નિર્ધારિત મુદત કરતા વધારે સમયથી રહેતા હતા.
કુરૈશીએ એ વાતની પણ પુષ્ટિ કરી કે અમેરિકામાં રહેતા ઘણા પાકિસ્તાની નાગરિકોને સ્વદેશ મોકલવાને લઇને બંને દેશો વચ્ચે વિવાદ પછી અમેરિકાએ ત્રણ વરિષ્ઠ પાકિસ્તાની અધિકારીઓને વીઝા આપવાનો ઇન્કાર કરી દીધો છે. મંત્રીએ મંગળવારે જણાવ્યું કે અમેરિકન વીઝા પ્રતિબંધનો સામનો કરી રહેલા પાકિસ્તાની અધિકારીઓમાં એક એડિશનલ સેક્રેટરી, એક ગૃહ મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી અને એક પાસપોર્ટ ડાયરેક્ટર જનરલ સામેલ છે.
આ દરમિયાન એક અલગ વિમાનમાં યુનાનથી સ્વદેશ મોકલવામાં આવેલા નવ પાકિસ્તાની ગેરકાયદે પ્રવાસીઓને ઇસ્લામાબાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચવા પર ધરપકડ કરવામાં આવી અને તેમને એફઆઇએના હ્યુમન ટ્રાફિકિંગ સેલમાં મોકલવામાં આવ્યા છે.
એફઆઇએ અધિકારીએ જણાવ્યું કે યુનાનથી સ્વદેશ મોકલવામાં આવેલા પાકિસ્તાની નાગરિકોને આગળની કાયદાકીય કાર્યવાહી માટે જેલમાં રાખવામાં આવ્યા છે. તેઓ જમીનમાર્ગે યુરોપ ગયા હતા, જ્યાં પછીથી યુનાની અધિકારીઓએ તેમની ધરપકડ કરી હતી. તેમણે જણાવ્યું કે, તે તમામ પંજાબ પ્રાંતના ગુજરાત જિલ્લાના રહેવાસી છે એટલે તેમને આગળની કાયદાકીય કાર્યવાહી માટે એફઆઇએ ગુજરાંવાલા મોકલવામાં આવશે.