અમેરિકા, UNને સીએએથી મુશ્કેલી, પુછયું- શિયા મુસ્લિમોને કેમ લીધા નથી?
નવી દિલ્હી: અમેરિકાની સરકાર અને સંયુક્ત રાષ્ટ્રે મંગળવારે ભારતના વિવાદાસ્પદ નાગરિકતા કાયદાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. સંયુક્ત રાષ્ટ્રે ભારતના આ કાયદાને મૂળભૂત રીતે ભેદભાવપૂર્ણ પ્રકૃતિનો ગણાવ્યો છે. મહત્વપૂર્ણ છે કે કેન્દ્રની મોદી સરકારે 31 ડિસેમ્બર, 2014થી પહેલા ભારત આવેલા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના દસ્તાવેજ વગરના બિનમુસ્લિમ પ્રવાસીઓને ઝડપથી નાગરિકતા પ્રદાન કરવા માટે નાગરિકતા (સંશોધન) કાયદો-2019 (સીએએ)ને સોમવારે 11 માર્ચે લાગુ કર્યો. હવે તેને લઈને વિશ્વભરમાંથી પ્રતિક્રિયાઓ આવી રહી છે.
હ્યુમન રાઈટ્સ વોચ અને એમનેસ્ટી ઈન્ટરનેશનલનું કહેવું છે કે આ કાયદો મુસ્લિમોની વિરુદ્ધ ભેદભાવ કરે છે. તેમનું કહેવું છે કે સીએએ હેઠળ આ દેશોના શિયા મુસ્લિમો જેવા મુસ્લિમ લઘુમતીઓને સ્થાન આપવામાં આવ્યું નથી. હ્યુમન રાઈટ્સ ગ્રુપ્સ પ્રમાણે, ભારતે સીએએ હેઠળ આ પાડોશી દેશોને પણ બહાર રાખ્યા છે, જ્યાં મુસ્લિમો લઘુમતી છે. ઉદાહરણ તરીકે તેણે મ્યાંમારનું નામ લીધું, જ્યાં રોહિંગ્યા મુસ્લિમ લઘુમતી છે.
સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર હાઈકમિશનના એક પ્રવક્તાએ રોયટર્સને કહ્યુ કે અમે 2019માં જ કહ્યુ હતું કે અમે ભારતના નાગરિકતા સંશોધન અધિનિયમ 2019ને લઈને ચિંતિત છીએ, કારણ કે આ મૂળભૂત રીતે ભેદભાવપૂર્ણ પ્રકૃતિનો છે. તેની સાથે જ આ ભારતના આંતરરાષ્ટ્રીય માનવાધિકાર દાયિત્વોનું ઉલ્લંઘન કરે છે. તેમણે કહ્યુ કે સંયુક્ત રાષ્ટ્ર આ વાતની તપાસ કરી રહ્યું છે કે શું સીએએના નિયમ આંતરરાષ્ટ્રીય માનવાધિકાર કાયદાને અનુરૂપ છે અથવા નહીં.
અમેરિકાને પણ સીએએ પર વાંધો-
અમેરિકાએ પણ સીએએને લઈને વાંધો વ્યક્ત કર્યો છે. અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તાએ રોયટર્સને જણાવ્યુ કે અમે 11 માર્ચે નાગરિકતા સંશોધન અધનિયમના જાહેરનામા સંદર્ભે ચિંતિત છીએ. અમે આ વાત પર ઝીણવટભરી નજર રાખી રહ્યા છીએ કે આ અધિનિયમને કેવી રીતે લાગુ કરવામાં આવશે.
વિદેશ વિભાગના પ્રવક્તાએ એક ઈમેલમાં કહ્યુ છે કે ધાર્મિક સ્વતંત્રતાનું સમ્માન અને તમામ સમુદાયો માટે કાયદા હેઠળ સમાન વ્યવહાર મૂળભૂત લોકશાહી સિદ્ધાંત છે. ભારતીય મૂળના અમેરિકી સાંસદ રો ખન્નાએ પણ કહ્યુ છે કે તેમણે નાગરિકતા સંશોધન અધિનિયમનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યુ છે કે હું તેનો વિરોધ કરું છું. ઈમિગ્રેશનને લઈને મારો દ્રષ્ટિકોણ હંમેશા જ બહુલવાદની તરફ રહ્યો છે.
કાર્યકર્તાઓ અને અધિકારોની તરફદારી કરનારાઓનું કહેવું છે કે આ કાયદો, નાગરિકોના પ્રસ્તાવિત રાષ્ટ્રીય રજીસ્ટર (એનઆરસી) સાથે મળી, ભારતના 20 કરોડ મુસ્લિમોની વિરુદ્ધ ભેદભાવ કરી શકે છે. આ દુનિયાની ત્રીજી સૌથી મોટી મુસ્લિમ વસ્તી છે. કેટલાક લોકોને ડર છે કે સરકાર કેટલાક સીમાવર્તી રાજ્યોમાં દસ્તાવેજ વગરના મુસ્લિમોની નાગરિકતાને સમાપ્ત કરી શકે છે.
જો કે ગૃહ મંત્રાલયે મંગળવારે કહ્યુ કે નાગરિકતા સંશોધન કાયદા પર ભારતીય મુસ્લિમોને કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂરત નથી, કારણ કે આ કાયદોની ભારતીય મુસ્લિમો સાથે કોઈ લેવાદેવા નથી, જેમની પાસે સમકક્ષ હિંદુ ભારતીય નાગરિકોને સમાન અધિકાર છે. મંત્રાલયે સીએએ સંદર્ભે મુસ્લિમો અને સ્ટૂડન્ટ્સના એક વર્ગની આશંકાઓને દૂર કરવાની કોશિશ કરતા આ સ્પષ્ટ કર્યું છે કે આ કાયદા પછી કોઈપણ ભારતીય નાગરિકને પોતાની નાગરિકતા સાબિત કરવા માટે કોઈ દસ્તાવેજ રજૂ કરવા માટે કહેવામાં નહીં આવે.
ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યુ છે કે ભારતીય મુસ્લિમોને કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂરત નથી, કારણ કે આ કાયદામાં તેમની નાગરિકતાને પ્રભાવિત કરનારી કોઈ જોગવાઈ નથી. નાગરિકતા કાયદાની હાલમાં 18 કરોડ ભારતીય મુસ્લિમો સાથે કોઈ લેવાદેવા નથી, કે જેમની પાસે પોતાના સમકક્ષ હિંદુ ભારતીય નાગરિકો જેટલા અધિકાર છે.