નવી દિલ્હીઃ યુક્રેન અમેરિકા માટે બીજુ વિયેતનામ બનશે. તેવી રશિયાની ફોરેન ઈન્ટેલિજન્સ સર્વિસ (SVR)ના પ્રમુખ સર્ગેઈ નારીશકિને આ ચેતવણી આપી હતી. સર્ગેઈએ કહ્યું કે, યુક્રેન માટે યુએસ અને પશ્ચિમી સમર્થન આગામી વર્ષો સુધી વોશિંગ્ટનને મુશ્કેલીમાં મૂકશે.
ગયા વર્ષની શરૂઆતમાં રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયું હતું, જે હજુ પણ ચાલુ છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં હજારો લોકો માર્યા ગયા છે, અને મોટા પાયે નુકસાન થયું છે. રિપોર્ટ અનુસાર, પશ્ચિમે અત્યાર સુધીમાં યુક્રેનને મોટા પાયે 246 બિલિયન ડોલરથી વધુની સહાય અને હથિયારો આપ્યા છે. આમ છતાં યુક્રેનને જ નુકસાન થયું છે.
અમેરિકન મદદ અંગે AVR ચીફે કહ્યું કે, યુક્રેન વધુ ને વધુ સંશાધનોને શોષી લેતું ‘બ્લેક હોલ’ બની જશે. તેમણે જણાવ્યું કે, યુએસ પોતાના માટે ‘બીજુ વિયેતનામ’ બનાવવાનું જોખમ લે છે. સર્ગેઈ નારીશકિને કહ્યું કે અમેરિકી પ્રશાસને આનાથી નિપટવા માટે પગલાં ભરવા પડશે. તો, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને ચેતવણી આપી હતી કે જો નાટો અને રશિયા વચ્ચે સીધો સંઘર્ષ થશે તો ત્રીજું વિશ્વ યુદ્ધ શરૂ થઈ શકે છે. તો તેણે યુક્રેનમાં અમેરિકન સૈનિકો મોકલવાનો વારંવાર ઇનકાર કર્યો છે.
અગાઉ જો બાઈડને બુધવારે રિપબ્લિકનને યુક્રેનને લશ્કરી સહાયનું નવીકરણ કરવા વિનંતી કરી હતી. બાઈડને કહ્યું કે જો પુતિન યુક્રેનને જીતી લેશે તો તે ત્યાં રોકાશે નહીં. બાઈડને આગાહી કરી હતી કે પુતિન નાટો સહયોગી દેશો પર હુમલો કરશે.