Site icon Revoi.in

અમેરિકા એક દિવસ ખતમ થઈ જશે, તે સોવિયત સંઘની જેમ વિખેરાઈ જશે, હમાસને ચેતવણી

Social Share

નવી દિલ્હીઃ ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા એકાદ મહિનાથી સતત યુદ્ધ ચાલી રહ્યું છે અને આ યુદ્ધમાં 11 હજાર જેટલી વ્યક્તિઓના મૃત્યુ થયા છે. આતંકવાદી સંગઠન હમાસ સામેના યુધ્ધમાં ઈઝરાયલને અમેરિકા પોતાનાથી બનતી તમામ મદદ કરુ રહ્યું છે. એટલું જ નહીં અમેરિક આર્મી પણ ઈઝરાયલ મોકલી આપી છે. બીજી તરફ હમાસ સહિતના આતંકવાદી સંગઠનો અને મુસ્લિમ દેશો અમેરિકાને આ યુદ્ધથી દુર રહેવાની ચેતવણી આપીને ગર્ભિત ધમકી આપી રહ્યું છે. દરમિયાન ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે હમાસના એક વરિષ્ઠ નેતાએ ચેતવણી આપી છે કે, એક દિવસ અમેરિકા ખતમ થઈ જશે અને તે સોવિયત સંઘની જેમ વિખેરાઈ જશે. હમાસના વરિષ્ઠ નેતા અલી બરાકાએ એક ઇન્ટરવ્યુમાં આ વાત કહી હતી. મિડલ ઈસ્ટ મીડિયા રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટે આ ઈન્ટરવ્યુનો અનુવાદ કર્યો છે.

રિપોર્ટ અનુસાર, અલી બરાકાએ કહ્યું હતું કે ‘અમેરિકા બ્રિટન દ્વારા બનાવવામાં આવ્યું હતું અને એક દિવસ તે સોવિયત સંઘની જેમ વિખેરાઈ જશે. આ પ્રદેશ (પશ્ચિમ એશિયા)માં અમેરિકાના તમામ દુશ્મનો નજીક આવી રહ્યા છે અને એકબીજા સાથે વાત કરી રહ્યા છે. એક દિવસ એવો આવશે જ્યારે તેઓ લડાઈમાં એક થઈ જશે અને અમેરિકા ભૂતકાળ બની જશે. બરાકાએ કહ્યું કે ‘અમેરિકા મજબૂત નહીં રહે.’ અલી બરકાએ ઉત્તર કોરિયાની પણ પ્રશંસા કરી અને કહ્યું કે તે એકમાત્ર દેશ છે જે અમેરિકાને જડબાતોડ જવાબ આપી શકે છે.

અલી બરાકાએ કહ્યું કે, ‘ઉત્તર કોરિયાનો નેતા વિશ્વનો એકમાત્ર દેશ છે જે અમેરિકા પર હુમલો કરી શકે છે. એક દિવસ એવો આવશે જ્યારે ઉત્તર કોરિયા હસ્તક્ષેપ કરશે કારણ કે તે અમારા જોડાણનો ભાગ છે. હમાસના નેતાએ કહ્યું કે, હમાસના પ્રતિનિધિમંડળે તાજેતરમાં મોસ્કોની મુલાકાત લીધી હતી અને ટૂંક સમયમાં બેઇજિંગની મુલાકાત લેશે. અલી બરાકાએ કહ્યું કે આજે રશિયા લગભગ દરરોજ અમારા સંપર્કમાં છે. ચીને પોતાના પ્રતિનિધિને દોહા મોકલ્યા છે અને ચીન અને રશિયાના નેતાઓ હમાસના નેતાઓને મળી રહ્યા છે.

હમાસના નેતાએ કહ્યું કે, ઈરાન પાસે અમેરિકા પર હુમલો કરવાની શક્તિ નથી પરંતુ જો ઈરાન હસ્તક્ષેપ કરવાનું નક્કી કરે છે તો તે ઈઝરાયેલ અને આ ક્ષેત્રમાં અમેરિકન ઠેકાણાઓ પર હુમલો કરી શકે છે. ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લગભગ એક મહિનો વીતી ગયો છે. આ લડાઈમાં અત્યાર સુધીમાં સાડા દસ હજારથી વધુ લોકો માર્યા ગયા છે. ઈઝરાયેલે હવે ગાઝા પટ્ટીમાં તેના ગ્રાઉન્ડ આક્રમણને વધુ તીવ્ર બનાવ્યું છે અને આગામી દિવસોમાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચેની લડાઈ ગંભીર બનવાની ધારણા છે.