Site icon Revoi.in

અમદાવાદ અને બેંગલુરૂમાં અમેરિકન દૂતાવાસ ખૂલશે, US વિઝા માટે મુંબઈ નહીં જવું પડે

Social Share

અમદાવાદઃ અમેરિકાના વિઝા માટે દેશમાં સૌથી વધુ ગુજરાતીઓમાં ક્રેઝ જોવા મળતો હોય છે. ગુજરાતમાં અમેરિકાની દૂતાવાસની કચેરી નહીં હોવાથી મુંબઈ જવું પડે છે. છેલ્લા ધણા વર્ષોથી ગુજરાતમાં અમેરિકન દૂતાવાસ શરૂ કરવાની માગણી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુએસની મુલાકાત દરમિયાન બેંગલુરૂ અને અમદાવાદમાં અમેરિકન દૂતાવાસ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ યુએસના પ્રવાસે છે. તેમના પ્રવાસ દરમિયાન, વ્હાઇટ હાઉસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, યુએસ અમદાવાદ અને બેંગલુરુ બે નવા કોન્સ્યુલેટ ખોલશે. જ્યારે ભારત લોકો વચ્ચેના સંબંધોને પ્રોત્સાહન આપવા માટે સિએટલમાં એક મિશન સ્થાપશે. અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, અમેરિકાએ ગયા વર્ષે સવા લાખ જેટલા ભારતીય વિદ્યાર્થીઓને વિઝા આપ્યા હતા. ભારતીય વિદ્યાર્થીઓ છેલ્લા કેટલાક વર્ષોમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં સૌથી મોટો વિદેશી વિદ્યાર્થી સમુદાય બની રહ્યો છે. ભારતીય વિદ્યાર્થીઓનો આ વધારો આશરે 20 ટકા જેટલો ગણાવાઈ રહ્યો છે. અમેરિકા બેંગલુરુ અને અમદાવાદમાં નવા કોન્સ્યુલેટ ખોલવા માંગે છે. જ્યારે ભારત અમેરિકાના સિએટલમાં તેનું કોન્સ્યુલેટ પણ સ્થાપશે. આ ઉપરાંત, ભારત યુએસમાં અન્ય રાજ્યો અને શહેરોમાં નવા કોન્સ્યુલેટ સ્થાપવાની જાહેરાત કરવા પણ ઉત્સુક છે.

યુએસના વ્હાઈટ હાઉસના અધિકારીએ કહ્યું હતું કે, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ, 2023ના વર્ષના અંત સુધીમાં કેટલાક પિટિશન-આધારિત અસ્થાયી વર્ક વિઝાના સ્થાનિક નવીકરણ અંગે નિર્ણય લેવા માટે એક પાયલોટ પ્રોગ્રામ શરૂ કરવા જઈ રહ્યું છે. ભારતના હાલમાં, અમેરિકામાં કુલ પાંચ દૂતાવાસ આવેલા છે. આ દૂતાવાસો ન્યુયોર્ક, શિકાગો,, સાન ફ્રાન્સિસ્કો, એટલાન્ટા અને હ્યુસ્ટનમાં આવેલા છે. ભારતના પાટનગર દિલ્હીમાં આવેલા અમેરિકાની એમ્બેસી એ વિશ્વના સૌથી મોટા યુએસ રાજદ્વારી મિશન પૈકીનું એક છે. ભારતમાં અમેરિકાના ચાર વાણિજ્ય દૂતાવાસ આવેલા છે. જે મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ અને હૈદરાબાદમાં આવેલા છે. હવે બેંગલુરૂ અને અમદાવાદમાં યુએસનું દૂતાવાસ શરૂ કરાશે.