ભારત માટે સારા સમાચાર છે. અમેરિકાની પિઝા હટ, કેએફસી જેવી કંપનીઓને ચલાવનારી ફાસ્ટફૂડ કંપની યમ બ્રાંડ હવે ભારતમાં ‘ટાકો બેલ’ના 600 આઉટલેટ્સ ખોલશે. આ બ્રાંડના ભારતમાં આવવાથી 20 હજાર લોકોને નોકરીઓ મળવાનું અનુમાન છે.
આ વિશે ટાકો બેલના ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ લિઝ વિલિયમે કહ્યું કે, અમે બર્મન હોસ્પિટાલિટી સાથે એક માસ્ટર ફ્રેન્ચાઇઝી એગ્રીમેન્ટ સાઇન કર્યું છે. અમે આગામી 10 વર્ષોમાં ટાટો બેલના 600 રેસ્ટોરન્ટ્સ ખોલવાના પ્લાનિંગ પર કામ કરી રહ્યા છીએ.
લિઝ વિલિયમે જણાવ્યું કે અત્યારે ફક્ત અમેરિકામાં જ ટાકો બેલના 7000 આઉટલેટ્સ છે. જ્યારે 500 રેસ્ટોરન્ટ્સ દુનિયાના અલગ-અલગ દેશોમાં છે. ભારત અમારા માટે મોટું માર્કેટ છે, એટલે ટાકો બેલ 2010માં ભારતમાં આવ્યું. ભારતમાં અમે ફ્રેન્ચાઇઝી પાર્ટનર તરીકે બર્મન હોસ્પિટાલિટીની સાથે માર્કેટ શેર કર્યું. તે હેઠળ અમે ભારતમાં 35 રેસ્ટોરન્ટ્સ ખોલ્યા છે.
બર્મન હોસ્પિટાલિટીના ડાયરેક્ટર ગૌરવ બર્મન જણાવે છે કે એક સ્ટોર પર લગભગ 3 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. બર્મન હોસ્પિટાલિટી હેઠળ રેસ્ટોરન્ટ એડમિનિસ્ટ્રેશન અને સ્ટોરની પોસ્ટ્સ પર 20,000 કરતા વધુ લોકોને રોજગાર આપવામાં આવશે. આ ઉપરાંત આઇટી, ફાઇનાન્સ, સપ્લાય ચેન અને મેઇન્ટેનન્સ જેવા કાર્યો માટે પણ લોકોને નોકરીઓ આપવામાં આવશે.