9 ઓગસ્ટ,દિલ્હી:અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનના વહીવટીતંત્રે સોમવારે યુક્રેનને વધુ 1 અબજ ડોલરની લશ્કરી સહાયની જાહેરાત કરી હતી.યુએસ રક્ષા મંત્રાલય તરફથી યુક્રેનની સશસ્ત્ર દળોને સીધા રોકેટ, દારૂગોળો અને અન્ય શસ્ત્રોનો તે સૌથી મોટો પુરવઠો હશે.અમેરિકી સહાયની જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે વિશ્લેષકોએ ચેતવણી આપી છે કે,રશિયા યુક્રેનની જવાબી કાર્યવાહીને રોકવા માટે તેના સૈનિકો અને શસ્ત્રોને યુક્રેનના દક્ષિણ બંદર શહેરમાં ખસેડી રહ્યું છે.
યુ.એસ. દ્વારા જાહેર કરવામાં આવેલી નવી સહાયમાં હાઈ મોબિલિટી આર્ટિલરી રોકેટ સિસ્ટમ અથવા HIMARS, હજારો આર્ટિલરી શેલ્સ, મોર્ટાર સિસ્ટમ્સ વગેરે હથિયાર સામેલ છે.લશ્કરી કમાન્ડરો અને અન્ય યુએસ અધિકારીઓ કહે છે કે,યુક્રેનમાં ચાલી રહેલી લડાઈમાં રશિયાને વધુ જમીન કબજે કરવાથી રોકવા માટે HIMARS અને આર્ટિલરી સિસ્ટમ્સ ચાવીરૂપ છે. નોંધપાત્ર વાત એ છે કે નવી સહાય સાથે યુક્રેનમાં રશિયન હુમલા પછી યુએસ દ્વારા આપવામાં આવતી સહાય વધીને નવ અબજ ડોલરથી વધુ થઈ ગઈ છે.
રશિયા અને યુક્રેન વચ્ચે 24 ફેબ્રુઆરીથી શરૂ થયેલું યુદ્ધ હજુ પણ શરુ છે.પાંચ મહિનાથી વધુ સમયથી ચાલી રહેલા આ યુદ્ધ દરમિયાન બંને દેશોને ઘણું નુકસાન થયું છે.રશિયા કરતાં યુક્રેનને વધુ નુકસાન થયું છે.રશિયાએ યુક્રેનના ઘણા શહેરોને નષ્ટ કર્યા.લાખો લોકોએ યુક્રેન છોડી દીધું.યુદ્ધને રોકવા માટે બંને દેશો વચ્ચે અનેક રાઉન્ડની વાતચીત થઈ, પરંતુ તેના પર કોઈ સંપૂર્ણ સમજૂતી થઈ શકી ન હતી.