દલાઈ લામાના અનુગામી મુદ્દે અમેરિકાનું સ્પષ્ટ વલણ, ચીનની દખલગીરી નહીં ચલાવાય
દિલ્હીઃ ચીન અને અમેરિકા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ટ્રેડ વોર ચાલી રહ્યું છે. તેમજ દુનિયામાં કોરોના વાયરસના સંક્રમણ માટે અમેરિકા ચીનને જ જવાબદાર માને છે. દરમિયાન હવે અમેરિકી સેનેટ દ્વારા તિબેટ નીતિ અને સપોર્ટ બિલ-2020ને મંજૂરી આપવામાં આવી છે. તેમાં જણાવ્યું છે કે, દલાઈ લામાના અનુગામીનો નિર્ણય સંપૂર્ણપણે હાલના દલાઈ લામાના અધિકાર ક્ષેત્રમાં રહેશે અને આમા ચીનની દખલગીરી નકારી કાઢવામાં આવશે. અમેરિકા તિબેટમાં પોતાનું દુતાવાસ ખોલવા માંગે છે તે વાત વિશે તો અમેરિકાના અધિકારીએ જણાવ્યું પણ વધારે ઉમેરતા કહ્યું કે જો દલાઈ લામાના મુદ્દે ચીન કોઈ પણ પ્રકારની દખલગીરી કરશે તો તેને પ્રતિબંધોનો સામનો કરવો પડશે.
અમેરિકાએ જણાવ્યું હતું કે, તિબેટમાં બૌદ્ધ ધાર્મિક નેતાની પસંદગી, શિક્ષણ અને દીક્ષાનો મુદ્દો સંપૂર્ણ રીતે આધ્યાત્મિક બાબત છે. યોગ્ય ધાર્મિક સત્તાએ આ અંગે નિર્ણય લેવો જોઈએ. આ સાથે, 15મા દલાઈ લામાની પસંદગી અંગે ચૌદમા દલાઈ લામાની ઇચ્છા, તેમની લેખિત સૂચનાઓ મહત્વપૂર્ણ રહેશે. ચૌદમા દલાઈ લામાના અનુગામીની પસંદગીની પ્રક્રિયામાં ચીની પ્રજાસત્તાક અથવા અન્ય સરકારની દખલ, તિબેટ અને તિબેટી બૌદ્ધ લોકોની મૂળભૂત ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન માનવામાં આવશે