દિલ્હીઃ વિસ્તારવાદી ચીન અને અમેરિકા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સંબંધ વધારે તંગ બન્યાં છે. અમેરિકા દ્વારા તાજાતેરમાં જ ચીનની કેટલીક કંપનીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. દરમિયાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે, રાષ્ટ્રપતિપદના કાર્યકાળના અંતિમ દિવસોમાં પણ ચીન પ્રત્યે કડક વલણ યથાવત રાખ્યું છે. તેમણે યુએસ સ્ટોક એક્સચેંજમાંથી ચીની કંપનીઓને બહાર કાઢવાના કાયદા પર હસ્તાક્ષર કર્યા છે. આ કાયદો શાસકોને ચીની કંપનીઓને સ્ટોક એક્સચેંજમાંથી બહાર કરવાની સત્તા આપે છે.
સુત્રોના જણાવ્યા અનુસાર અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ‘ધ હોલ્ડિંગ ફોરેન કંપની એકાઉન્ટબલ એક્ટ’ કાયદા પર હસ્તાક્ષર કર્યા છે. આ કાયદા અનુસાર જે કંપનીઓ સતત ત્રણ વર્ષ સુધી યુ.એસ. પબ્લિક એકાઉન્ટિંગ ઓવરસાઇટ બોર્ડના ઓડિટ નિયમોનું પાલન કરતી નથી તેઓને યુ.એસ. એક્સચેંજમાં લિસ્ટ કરવામાં આવશે નહીં. આમતો, આ કાયદો કોઈપણ દેશની કંપનીઓને લાગુ પડે છે પરંતુ તેનો અસલ હેતુ યુ.એસ. માં લિસ્ટેડ અલીબાબા, ટેક ફર્મ પિંડુઓડો અને તેલ કંપની પેટ્રોચિનાને બહાર કાઢવાનો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમેરિકા દ્વારા અગાઉ અનેક ચીનની કંપનીઓને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે. અમેરિકા અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી ટ્રેડવોર ચાલી રહ્યું છે. એટલું જ નહીં ચીન અને ભારત વચ્ચે પણ છેલ્લા કેટલાક સમયથી સંબંધોમાં ખટાશ આવી છે. ભારત દ્વારા અમેરિકાની અનેક મોબાઈલ એપ્લિકેશન ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમજ અનેક ચીનની કંપનીઓને સરકારી કોન્ટ્રાક્ટમાંથી દૂર કરવામાં આવી છે.