અમેઠી: અમેઠીની રાજનીતિમાં અચાનકથી પ્રિયંકા ગાંધીના પતિ અને પૂર્વ સાંસદ રાહુલ ગાંધીના જીજાજી રોબર્ટ વાડ્રાની ચર્ચાઓ વધી છે. એક દિવસ પહેલા રોબર્ટ વાડ્રા દ્વારા ઈન્ટરવ્યૂમાં અમેઠીથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. તેના બીજા દિવસે સોશયલ મીડિયા પર એક પોસ્ટર વાયરલ થઈ રહ્યું છે. આ પોસ્ટરમાં રોબર્ટ વાડ્રાને અમેઠીમાં બદલાવના ચહેરા તરીકે પ્રોજેક્ટ કરવામાં આવ્યા છે.
રાહુલ પ્રિયંકા ગાંધી સેના દ્વારા વાયરલ કરાયેલા બે પોસ્ટર્સમાં રોબર્ટ વાડ્રાની તસવીર લગાવવામાં આવી છે. એક પોસ્ટરમાં રાજીવ ગાંધીની પણ તસવીર છે. પોસ્ટરમાં સ્લોગન લખવામાં આવ્યું છે કે જનજનના મનનો ભાવ અમેઠી માંગે બદલાવ, રોબર્ટ વાડ્રાજી બન્યા બદલાવનો ચહેરો. એક અન્ય પોસ્ટર પણ રાહુલ પ્રિયંકા ગાંધી સેના તરફથી જાહેર કરવામાં આવ્યું છે, જેમાં રોબર્ટ વાડ્રાની બાળકો સાથે તસવીરો છે.
આ પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે જ્યારે રોબર્ટ વાડ્રા અમેઠીથી સાંસદ બનશે, જનતાની તકદીર બદલાશે. હવે અમેઠીની તસવીર બદલાશે. જો કે પોસ્ટર એક સપ્તાહ જૂનું હોવાનું જણાવાય રહ્યું છે. પરંતુ તેના વાયરલ થવાના ટાઈમિંગને જોઈને અચાનકથી રાજકીય ગરમી વધી છે. યૂથ કોંગ્રેસના જિલ્લા પ્રવક્તા વિકાસ અગ્રહરિએ પણ પોતાના સોશયલ મીડિયા એકાઉન્ટથી આ પોસ્ટરને શેયર કર્યું છે.
આના સંદર્ભે કોંગ્રેસના પ્રવક્તા અનિલ સિંહે કહ્યુ છે કે અમેઠીથી રાહુલ ગાંધી ચૂંટણી લડશે,. જો તેઓ નહીં લડે તો પરિવારમાંથી કોઈપણ આવે છે, તેમનું સ્વાગત છે. તો કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પ્રદીપ સિંઘલે કહ્યુ છે કે લોકશાહીમાં સૌને પોતાની વાત કહેવાની છૂટ છે. જ્યાં સધી ઉમેદવારની સત્તાવાર ઘોષણા થતી નથી, અમે એ કહીશું કે અમારા ઉમેદવાર રાહુલ ગાંધી છે.