Site icon Revoi.in

આર્થિક સંકટ વચ્ચે પાકિસ્તાનની મુશ્કેલી વધી, POKને ભારતમાં ભેળવી દેવાની સ્થાનિકોની માંગણી

Social Share

નવી દિલ્હીઃ પાકિસ્તાનની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. આર્થિક, પૂર, લોટ અને ખાદ્યપદાર્થોની કટોકટીથી ઝઝૂમી રહેલા પાકિસ્તાનની સામે એક નવી સમસ્યા ઊભી થઈ છે. એક રીતે જોઈએ તો પાકિસ્તાન ચારે બાજુથી મુસીબતોથી ઘેરાયેલું છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)નું ગિલગિટ બાલ્ટિસ્તાન ફરી એકવાર હેડલાઇન્સમાં છે. વાસ્તવમાં અહીંના લોકો પાકિસ્તાન સરકારની ભેદભાવપૂર્ણ અને દમનકારી નીતિઓથી ખૂબ નારાજ છે. શોષણથી કંટાળીને સ્થાનિક લોકોએ ભારતને લદ્દાખમાં સામેલ કરવાની માંગ કરી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ઘણા વીડિયોમાં ગિલગિટ બાલ્ટિસ્તાનના લોકોની નારાજગી જોઈ શકાય છે.

વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ગિલગિટ બાલ્ટિસ્તાનમાં એક રેલી થઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. રેલીમાં કારગિલ રોડને ફરીથી ખોલવામાં આવે અને બાલ્ટિસ્તાનને ભારતના કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખના કારગિલ જિલ્લામાં ફરીથી જોડવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

અહીં પાકિસ્તાન સરકાર વિરુદ્ધ છેલ્લા 12 દિવસથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. ગિલગિટ બાલ્ટિસ્તાનના લોકોએ દેશમાં ઘઉં અને અન્ય ખાદ્ય ચીજો પર સબસિડીની પુનઃસ્થાપના, લોડ-શેડિંગ, ગેરકાયદેસર જમીન પર કબજો અને પ્રદેશના કુદરતી સંસાધનોનું શોષણ જેવા અનેક મુદ્દા ઉઠાવ્યા છે. ઘણીવાર એવા અહેવાલો આવે છે કે પાકિસ્તાનની સેના ગિલગિટ બાલ્ટિસ્તાનની જમીન અને સંસાધનો પર બળજબરીથી કબજો કરી રહી છે.

અહીં પાકિસ્તાન સેના અને સરકાર વિરુદ્ધ ઘણા સમયથી વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. અહીં જમીનનો મુદ્દો દાયકાઓથી ચાલી રહ્યો છે, પરંતુ 2015 થી, સ્થાનિક લોકો દલીલ કરી રહ્યા છે કે જમીન ગિલગિટ બાલ્ટિસ્તાનના લોકોની છે, કારણ કે આ વિસ્તાર PoK હેઠળ આવે છે. જો કે, જિલ્લા વહીવટીતંત્રનું કહેવું છે કે જમીન પાકિસ્તાની રાજ્ય સાથે જોડાયેલા કોઈ વ્યક્તિને ટ્રાન્સફર કરવામાં આવી નથી.