કોરોના મહામારીઃ ભારતમાં લોકડાઉનની ભીતી વચ્ચે લોકો પેકેઝડ તથા ઈન્સ્ટંટ ફૂડનો કરી રહ્યાં છે સંગ્રહ
અમદાવાદઃ ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. દેશના અનેક શહેરો અને ગામડાઓ કોરોનાનું સંક્રમણ ફેલતુ અટકાવવા માટે સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કર્યું છે. આ ઉપરાંત પંજાબ, દિલ્હી, ગુજરાત સહિતના રાજ્યોમાં રાત્રિ કરફ્યુ લાદવામાં આવ્યો છે. દેશમાં જે રીતે કોરોના વાયરસના કેસ વધી રહ્યાં છે તે જોતા લોકડાઉનનો લોકોમાં ભય ફેલાયો છે. જેથી રોજગારીની શોધમાં અન્ય રાજ્યોમાં ગયેલા શ્રમજીવીઓ પોતાના વતન તરફ જઈ રહ્યાં છે. બીજી તરફ લોકો ખાદ્ય ચીજવસ્તુઓની મોટાપાયે ખરીદી કરી રહ્યાં છે. લોકો પેકેજ્ડ અને ઈન્સ્ટંટ ફૂડનો સંગ્રહ કરી રહ્યાં હોવાથી બિસ્કીટ, નમકીન, નુડલ્સ, ફ્રોઝન, ફૂડ, ઠંડાપીણા તથા ખાદ્યતેલ જેવી ચીજોની ડીમાંડમાં વધારો થયો હોવાનું જાણવા મળે છે.
સુત્રોના જણાવ્યા અનુસાર દેશમાં કોરોનાના કેસ વધતા માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં વધારો થઈ રહ્યો છે. તેમજ વિવિધ રાજ્યની સરકારોએ પોતાની રીતે નિયંત્રણો નાખ્યાં છે. રાત્રિ કરફ્યુને કારણે મોટાભાગની હોટલો અને રેસ્ટોરન્ટ સહિતના ખાણી-પીણી બજારો પણ વહેલી બંધ થઈ જાય છે. જેથી લોકો પાસે ઘેર જમવા સિવાય કોઈ વિકલ્પ રહ્યો નથી. પરીણામે પેકેઝડ તથા ઈન્સ્ટંટ ફૂડના વેચાણ વધવા લાગ્યા છે. તેમજ આરોગ્યવર્ધક ચીજોની ડીમાંડમાં મોટી વૃદ્ધિ થઈ છે. રેડી-ટુ-ઈટ પ્રોડકટની માગમાં 80 ટકા, ફ્રોઝન ફૂડની માંગ પાંચ ગણો અને મિલ્ક પ્રોડકટની માગમાં 150 ટકાનો વધારો થયો છે.
ગત વર્ષે એપ્રિલ-જુનના ત્રિમાસીક ગાળામાં લોકડાઉન વખતે પેકેજડ ચીજોનું વેંચાણ રેકોર્ડબ્રેક સ્તરે નોંધાયુ હતું. અનલોક પ્રક્રિયા સાથે ફરી નોર્મલ સ્તરે આવવા લાયુ હતું પરંતુ હવે કોરોનાની નવી લહેર સાથે નવેસરથી નિયંત્રણો આવવા લાગતા પેકેજડ ફૂડની ડીમાંડ સરેરાશ ડબલ થઈ ગઈ છે. તેમજ વિવિધ મોલમાં લોકોની ખરીદી માટે લાંબી લાઈનો લાગે છે.