ઓમિક્રોનના ભય વચ્ચે આફ્રીકાના દેશોથી 1 હજાર યાત્રીઓ મુંબઈ આવ્યા,માત્ર 100 લકોનું થયું પરિક્ષણ
- ઓમિક્રોનનો ભય વધ્યો
- ઓમિક્રોનની એન્ટ્રી વચ્ચે 1 હજાર યાત્રીઓ આફ્રીકાથી મુંબઈ પહોચ્યા
- માત્ર 100 લોકોનું થયું સ્ક્રિનિંગ
મુંબઈઃ- સમગ્ર વિશ્વભરમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોને ચિંતા વધારી છે ત્યારે ભારતભરમાં પણ આ વેરિએન્ટને લઈને સતર્કતા દાખવી છે.વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કહ્યું કે આ વેરિએન્ટ પરિવર્તન માટે સક્ષમ છે અને વિશ્વભરમાં મોટી કટોકટીનું કારણ બની શકે છે. આ બાબતે યુનાઈટેડ નેશન્સ હેલ્થ એજન્સીએ કહ્યું કે આ પ્રકારનો પહેલો કેસ થોડા દિવસો પહેલા દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યો હતો અને તેના વિશે કેટલીક માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.
આ બાબતને લઈને બીએમસીના એડિશનલ કમિશનરએ જણાવ્યું હતું કે એરપોર્ટ ઓથોરિટીએ અમને છેલ્લા 15 દિવસમાં આફ્રિકન દેશોમાંથી 1 હજાર યાત્રીઓના આગમન વિશે જાણ કરી છે. પરંતુ હજુ સુધી અમને માત્ર 466 લોકોની યાદી આપવામાં આવી છે. તેમણે કહ્યું કે આ 466માંથી 100 લોકો મુંબઈમાં છે. અમે તેમના સેમ્પલ લીધા છે. તેનો રિપોર્ટ ટૂંક સમયમાં આવશે. તેનાથી સ્પષ્ટ થશે કે તેઓ કોરોનાથી સંક્રમિત છે કે નહીં.
આ યાત્રીઓની સંખ્યાને લઈને તેમણે જણાવ્યું હતું કે જો આ લોકોનો રિપોર્ટ નેગેટિવ આવે છે તો કોઈ સમસ્યા નથી. પરંતુ જેમનો રિપોર્ટ પોઝિટિવ આવશે, તેમના જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને પણ કહ્યું છે કે આ વેરિઅન્ટની ઓળખ માટે જીનોમ સિક્વન્સિંગ જરૂરી છે. તેમણે કહ્યું કે સંક્રમિત મુસાફરોમાં લક્ષણો દેખાય છે કે નહીં તેની પરવા કર્યા વિના, તેમને સરકારી કોરોના કેન્દ્રોમાં મોકલવામાં આવશે.
જો કે હાલમાં બીએમસી એ મુંબઈની તમામ 5 કોવિડ હોસ્પિટલો અને અન્ય સુવિધાઓને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રાખી છે.
આ સમગ્ર બાબત વચ્ચે આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ સંસદમાં જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં વિશ્વના 14 દેશોમાં ઓમિક્રોન વેરિઅન્ટના કેસ મળી આવ્યા છે. તેણે કહ્યું કે તેનાથી બચવા માટે મંથન ચાલી રહ્યું છે. હાલમાં એરપોર્ટ પર સ્કેનિંગ માટે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે માર્ગદર્શિકા પણ જારી કરવામાં આવી છે.