ઓમિક્રોનના ભય વચ્ચે ભારત સરકારે 11 દેશોને જોખમી શ્રેણીમાં મુક્યાં
દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં કોરોનાના વેરિએન્ટ ઓમિક્રોનથી ફફડાટ ફેલાયો છે. દરમિયાન કેન્દ્ર સરકારે 11 દેશને જોખમી શ્રેણીમાં રાખવામાં આવ્યાં છે. એટલું જ નહીં વિદેશથી આવતા પ્રવાસીઓનો એરપોર્ટ ઉપર આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે.
ઓમિક્રોનથી દુનિયાભારમાં વધેલા ભય વચ્ચે ભારત સરકાર સતર્ક બની છે. તેમજ જરૂરી પગલા ભરવામાં આવ્યાં છે. જોખમી શ્રેણીમાં આવતા દેશોની યાત્રાએથી આવતા પ્રવાસીઓની યોગ્ય તપાસ કરવામાં આવી રહી છે. દરમિયાન નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ લોકસભાના શિયાળુ સત્રમાં મૌખિક જવાબ આપતા કહ્યું કે, સરકારે 11 દેશને જોખમી શ્રેણીમાં રાખવામાં આવ્યાં છે. તેમણે વધુમાં કહ્યું કે, જે દેશોને આ જોખમી શ્રેણીમાં રાખવામાં આવ્યાં છે તેમાં યુરોપના તમામ દેશ, દક્ષિણ આફ્રિકા, બોત્સવાના, બ્રાઝીલ, ચીન, મોરિશસ, ન્યૂઝીલેન્ડ, ઝિમ્બાબ્વે, સિંગાપુર, હોંગકોંગ અને ઈઝરાયલનો સમાવેશ થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઓમિક્રોન નામના વેરિએન્ટથી વધતા ડર વચ્ચે વિવિધ દેશમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. દરમિયાન કન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાજ્ય સરકારનો સાથે એરપોર્ટ ઉપર સ્ક્રીનિંગને લઈને બેઠક મળી હતી. જેમાં એરપોર્ટના અધિકારીઓ પણ જોડાયાં હતા.