કાશ્મીર ઘાટીમાં લોકસભા ચૂંટણી વચ્ચે ISIએ હુમલાની તૈયારીઓ કરી, સુરક્ષા દળો બન્યા વધુ એલર્ટ
નવી દિલ્હીઃ દેશમાં હાલ લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. દેશમાં સાત તબક્કામાં મતદાન યોજાશે. દરમિયાન કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં પહેલીવાર સામાન્ય ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. આવી સ્થિતિમાં પડોશી દેશ પાકિસ્તાન અને ત્યાં આશ્રય લઈ રહેલા આતંકવાદીઓ ઘાટીમાં યોજાનારા લોકશાહીના આ મહાન પર્વને ખોરવવા માટે સક્રિય થઈ ગયા હોવાનું ચર્ચાય રહ્યું છે. બીજી તરફ સુરક્ષા એજન્સીઓએ પણ આતંકવાદીઓને તેમની ભાષામાં જ જવાબ આપવા માટે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. તેમજ સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે.
ગુપ્તચર એજન્સીઓના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIએ આની જવાબદારી નવા આતંકવાદી નેક્સસ ISIS-લશ્કર-ઇન્ડિયન મુજાહિદ્દીન-અલ બદરને આપી છે. જો ઈન્ટેલિજન્સ રિપોર્ટનું માનીએ તો પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)માં લોન્ચિંગ પેડ પર હાજર લગભગ 100 આતંકીઓને ભારતમાં ઘૂસણખોરી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
- ISIએ ઘણી યોજનાઓ તૈયાર કરી
ISIએ ઘાટીમાં યોજાનારી લોકસભાની ચૂંટણીને નિષ્ફળ કરવાના ષડયંત્રની બ્લૂ પ્રિન્ટ પણ તૈયાર કરી છે. આ માટે આતંકવાદીઓએ ઘણી યોજનાઓ બનાવી છે. તેમાંથી કેટલીક આ પ્રમાણે છે.
- ખીણમાં હાજર સ્લીપર સેલ દ્વારા લોકોને ફસાવવા અને જો જરૂરી હોય તો વિસ્ફોટ કરાવે
- ખીણમાં મતદાનની ટકાવારીને સંપૂર્ણ રીતે પ્રભાવિત કરવી, જેથી આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતની છબી ખરાબ થઈ શકે
- મતદાન પહેલા સરકારી કર્મચારીઓ અને દળોને નિશાન બનાવવા
- અલગ-અલગ જગ્યાએ બ્લાસ્ટ કરીને લોકોમાં ગભરાટનું વાતાવરણ ઊભું કરવું, જેથી મતદાનની ટકાવારી ઘટી શકે
- કાશ્મીર ખીણમાં હાજર સ્લીપર સેલ સુધી ડ્રોન અને અન્ય માધ્યમથી હથિયારો પહોંચાડવા
અત્રે ઉલ્લેખનીય છે કે, શુક્રવારે (5 એપ્રિલ, 2024) બારામુલા જિલ્લાના ઉરી સેક્ટરમાં લોકસભા ચૂંટણીની પ્રક્રિયામાં ખલેલ અને હિંસા ફેલાવવાના હેતુથી જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરી કરી રહેલા બે આતંકવાદીઓને સુરક્ષા દળોએ ઠાર માર્યા હતા. આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ કેટલાક કલાકો સુધી ચાલી હતી. માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી બે એસોલ્ટ રાઈફલ્સ, ત્રણ મેગેઝીન, 95 કારતૂસ, ચાર ગ્રેનેડ અને અન્ય વસ્તુઓ મળી આવી હતી.