નવી દિલ્હીઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. તેમજ અમદાવાદ, જયપુર સહિત અનેક શહેરોમાં ગરમીનો પારો 45 ડિગ્રીની નજીક પહોંચી ચુક્યો છે. બીજી તરફ ઉનાળામાં પાણીના વપરાશમાં પણ વધારો થયો છે. જેથી દેશના મોટા ડેમોમાં પાણીમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. એક રિપોર્ટ અનુસાર દેશના 140 મોટા ડેમ પૈકી 60માં પાણી ગયા વર્ષની સરખામણીમાં ઘટયું છે. દેશના 10 રાજ્યોમાં સૌથી વધારે તેની અસર જોવા મળી છે.
રિપોર્ટ અનુસાર ગયા વર્ષની સરખામણીમાં ગુજરાત-મહારાષ્ટ્રમાં પાણીના ર્સ્તરમાં 3 ટકાનો ઘટાડો નોંધાયો છે. રાજસ્થાનના પાંચ મોટા ડેમમાંથી ત્રણ ડેમ બિસલપુર, જવાઇ અને રાણા પ્રતાપ સાગરનું પાણી ઓછું થઇ રહ્યુ છે. મધ્યપ્રદેશના છ ડેમ અને છત્તીસગઢના બે મોટા ડેમના પાણીમાં પણ ઘટાડો થયો છે. જો કે, દેશના મુખ્ય ટીએચ ડેમોમાં પાણીની કુલ સપાટી ગત વર્ષની સરખામણીમાં વધી છે. મહારાષ્ટ્ર 12 અને ગુજરાતના 10 મોટા ડેમોમાં પાણીનું સ્તર નીચે આવ્યું છે. ઝારખંડ, ઓડીશા, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, નાગાલેન્ડ અને બિહારના 21માંથી 10 ડેમમાં પાણી ઓછું થઇ ગયું છે.
કોલકત્તા કવોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને નેશનલ મિશન ફોર કલીન ગંગાના જળાશય અહેવાલ મુજબ ગંગા ક્ષેત્રમાં વસેલા બંગાળ, યુપી, બિહાર, ઉત્તરાખંડ અને ઝારખંડમાં લગભગ 38 % જળાશયો સુકાઇ ગયા છે. તેમાં ઉત્તરાખંડમાં 84%, યુપીમાં 41%, બિહારમાં 35%, બંગાળમાં 17% અને ઝારખંડમાં 16% સમાવેશ થાય છે.
(Photo-File)