Site icon Revoi.in

રશિયાની સૈન્ય કાર્યવાહી વચ્ચે યુક્રેને ભારત પાસે માગી મદદ

Social Share

નવી દિલ્હીઃ ભારતની પ્રશંસા કરીને યુક્રેનના રાજદૂત ઇગોર પોલિખાએ યુક્રેનમાં રશિયા સાથે ચાલી રહેલા સૈન્ય અભિયાનમાં ભારતનું સમર્થન માંગ્યું છે. નવી દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં બોલતા પોલિખાએ કહ્યું કે, ભૂલશો નહીં કે ભારત ઘણા વર્ષોથી બિન-જોડાણવાદી ચળવળનું નેતા હતું. બિન-જોડાણવાદી ચળવળની રચના શીત યુદ્ધના યુગ દરમિયાન માત્ર વિશ્વના તણાવને રોકવા માટે કરવામાં આવી હતી. તે શાંતિના સિદ્ધાંત પર આધારિત હતું. વિશ્વ પ્રસિદ્ધ સિદ્ધાંતો ‘પંચશીલ’ના સ્થાપક ભારત છે.

તેમણે કહ્યું કે વર્તમાન પરિસ્થિતિમાં અમે ભારત પાસેથી સમર્થન માંગી રહ્યા છીએ અને વિનંતી કરીએ છીએ. હું ભારતમાં રાજદૂત છું. અલબત્ત, દરેક રાજદૂતનું પદ અને કાર્ય પોતાના દેશની પરિસ્થિતિને વધુ અનુકૂળ બનાવવાનું હોય છે. ભારત યુએનએસસીનું અસ્થાયી સભ્ય છે. ભારત ખૂબ જ પ્રભાવશાળી વૈશ્વિક ખેલાડી છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, વિશ્વ અંતિમ ક્ષણ સુધી શાંતિપૂર્ણ ઉકેલની આશા રાખતું હતું. છેલ્લી ક્ષણ સુધી અમારા રાષ્ટ્રપતિ રશિયા સાથે દ્વિપક્ષીય વાટાઘાટો માટે કહેતા હતા. અમે પુષ્ટિ કરી છે કે ઘણા યુક્રેનિયન એરપોર્ટ, લશ્કરી હવાઈ મથકો, લશ્કરી સ્થાપનો પર બોમ્બ અને મિસાઈલથી હુમલો કરવામાં આવ્યો છે. રાજદૂતે જણાવ્યું હતું કે કેટલાક હુમલા રાજધાનીની બહારના વિસ્તારમાં થયા હતા. કેટલાક હુમલા યુક્રેનના આંતરિક ભાગમાં થયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, બ્રિટન, યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા અને યુરોપિયન યુનિયન સહિત અનેક દેશોના નેતાઓએ ડોનબાસ ક્ષેત્રમાં રશિયાની લશ્કરી કાર્યવાહીની નિંદા કરી છે. કિવમાં ભારતીય દૂતાવાસે આજે કહ્યું હતું કે યુક્રેનમાં વર્તમાન પરિસ્થિતિ અત્યંત અનિશ્ચિત છે અને યુક્રેનમાં બગડતી પરિસ્થિતિ વચ્ચે ભારતીય નાગરિકોએ શાંત અને સુરક્ષિત રહેવું જોઈએ.