Site icon Revoi.in

અફઘાનિસ્તાનમાં અરાજકતા વચ્ચે પૂર્વ રાષ્ટ્રપતિ ગનીનો ભાઈ તાલીબાનમાં જોડાયો

Social Share

દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં તાલીબાનોએ કબજો જમાવ્યાં બાદ હાલ અરાજકતા ફેલાઈ છે. દરમિયાન પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગનીનો ભાઈ હશરત ગનીએ તાલીબાનોને સમર્થન આપીને તેમની સાથે જોડાઈ ગયો હોવાનું જાણવા મળે છે. હશરત ગની તાલિબાનો સાથે જોડાયાં તેનો ફોટો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. બીજી તરફ પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને પલાયન થઈ ગયાં છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અફઘાનિસ્તાનમાં શાસન સંભાળ્યા બાદ સરકારની રચના માટે બેઠકનો દોર કરી રહ્યા છે. જેના માટે તાલિબાનનો સહ સંસ્થાપક બરાદર પણ કાબુલ પહોંચ્યા છે. દરમિયાન મીડિયા રિપોર્ટ અનુસાર અશરફ ગનીના ભાઈ હશમત ગનીએ તાલિબાન પ્રત્યે સમર્થન જાહેર કર્યુ છે. ‘ગ્રેંડ કાઉન્સિલ ઓફ કુચિસ’ના ચીફ હશમત ગની તાલિબાન નેતા ખલીલ-ઉર- રહમાન અને ધાર્મિક વિદ્વાન મુફ્તી મહમૂદ ઝાકિરની હાજરીમાં તાલિબાન પ્રત્યે પોતાની વફાદારીનું એલાન કર્યુ છે. અશરફ ગનીના ભાઈની મુલાકાત અલ્હાજ ખલીલ ઉર રહેમાન હક્કાની સાથે પણ થઈ હોવાનું માનવામાં આવે છે. તાલિબાનમાં સામેલ થયેલા હશરત ગની અફઘાનિસ્તાનની રાજનીતિ અને કૂટનીતિને સારી રીતે જાણે છે. જેનો ફાયદો તાલિબાનને મળી શકે છે.

અહીં ઉલ્લેખનીય છે કે, કાબુલ પર તાલિબાનના કબ્જા સાથે અશરફ ગની દેશ છોડીને ફરાર થઈ ગયા હતા. બાદમાં તેમણે એક પોસ્ટ કરી ને વીડિયો મેસેજ આપ્યો હતો કે, અફઘાનિસ્તાનમાં કત્લેઆમ રોકવા માટે મારે ભાગવુ પડ્યું. તેમણે પરિવાર સાથે યુએઈમાં શરણ લીધી હોવાનું સામે આવ્યુ છે.  બીજી તરફ અફઘાનિસ્તાનમાં તાલીબાનો કાળો કહેર વર્તાવી રહ્યાં છે.