નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન બાદ છેલ્લા કેટલાક સમયથી ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં અમેરિકા ઈઝરાયલને સમર્થન આપી રહ્યું છે. જેના પરિણામ સ્વરૂપે અમેરિકાના ઈરાન સહિતના દેશો સાથે સંબંધોમાં તંગ બન્યાં છે. એટલું જ નહીં ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થવાની ભીતિ સેવાઈ રહી છે જો કે, અમેરિકાએ ઈરાન સાથે યુદ્ધ નહીં કરવાની ઈચ્છા વ્યક્ત કરતા દુનિયાના અનેક દેશોએ રાહતનો શ્વાસ લીધો છે.
સુત્રોના જણાવ્યા અનુસાર જોર્ડન-સીરિયા સરહદ પર સ્થિત અમેરિકી સૈન્ય મથકો પર થયેલા ડ્રોન હુમલામાં 3 અમેરિકી સૈનિકોના મોત બાદ અમેરિકી વહીવટીતંત્ર એ કહ્યું કે, અમેરિકા ઈરાન સાથે વ્યાપક યુદ્ધ ઇચ્છતું નથી. વ્હાઈટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા પ્રવક્તાએ કહ્યું કે, અમે યુદ્ધ નથી ઈચ્છતા. અમેરિકાએ હુમલા માટે ઈરાન તરફી ઉગ્રવાદી જૂથને જવાબદાર ગણાવું છે. જોકે, ઈરાને આ આરોપોને ફગાવ્યા છે. આ પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું કે, અમેરિકા પોતાની રીતે બદલો લેશે.
બ્રિટિશના પ્રધાનમંત્રી ઋષિ સુનકે કહ્યું કે, તેઓ પશ્ચિમ એશિયામાં તણાવને લઈને ચિંતિત છે. તેમણે ઈરાનને સીરિયાની સરહદ નજીક ઉત્તરપૂર્વ જોર્ડનમાં અમેરિકી સૈનિકો પર હુમલા બાદ તણાવ ઓછો કરવા વિનંતી કરી છે. ઋષિ સુનકે કહ્યું કે, બ્રિટન ડ્રોન હુમલાની નિંદા કરે છે. સુનકે કહ્યું કે અમે પ્રદેશમાં સ્થિરતા અને શાંતિ માટે અમારા સહયોગીઓ સાથે મજબૂતીથી ઊભા છીએ. તેમજ સમગ્ર પરિસ્થિતિ ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે.