Site icon Revoi.in

યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે વ્લાદિમીર પુતિનનું મોટું નિવેદન,યુદ્ધનો અંત લાવવા માંગે છે રશિયાના રાષ્ટ્રપતિ

Social Share

દિલ્હી:રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને 300 દિવસથી વધુ સમય થઈ ગયો છે.પરંતુ બંને દેશો વચ્ચે ચાલી રહેલ યુદ્ધ હાલ અટકે તેવું લાગતું નથી.તાજેતરમાં, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સકી અમેરિકાની મુલાકાતે ગયા હતા, જ્યાં યુએસએ તેમને 1.85 બિલિયન ડોલરની નાણાકીય સહાય આપી છે. જોકે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મોટું નિવેદન આપ્યું છે.

રશિયામાં મીડિયાને સંબોધતા પુતિને કહ્યું છે કે,યુક્રેન સાથે લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવા માંગે છે.તેમણે વધુમાં કહ્યું કે,તેમનું લક્ષ્ય સૈન્ય સંઘર્ષ ચાલુ રાખવાનું નથી. તેનાથી વિપરીત, તેઓ યુદ્ધનો અંત લાવવા માંગે છે.પુતિને કહ્યું કે,તેઓ યુદ્ધ ખતમ કરવાના પ્રયાસો કરી રહ્યા છે અને ભવિષ્યમાં પણ આવા પ્રયાસો કરતા રહેશે.રાજદ્વારી વાટાઘાટો દ્વારા જ સશસ્ત્ર યુદ્ધનો અંત લાવી શકાય છે.

મીડિયા સાથેની વાતચીત દરમિયાન પુતિને યુક્રેનને આપવામાં આવી રહેલી અમેરિકન પેટ્રિયટ ડિફેન્સ સિસ્ટમ વિશે પણ વાત કરી.તેમણે કહ્યું કે,અમેરિકા યુક્રેનને જે પેટ્રિયટ એર ડિફેન્સ સિસ્ટમ સપ્લાય કરી રહ્યું છે તે અમેરિકાની જૂની હથિયાર સિસ્ટમ છે અને રશિયા તેનો સામનો કરવા સક્ષમ છે.તેનો સામનો કરવા માટે રશિયા પાસે S-300 સિસ્ટમ છે.

રશિયાએ 24 ફેબ્રુઆરીએ તેના પાડોશી દેશ યુક્રેન પર આક્રમણ કર્યું હતું.છેલ્લા લગભગ 10 મહિનામાં આ યુદ્ધમાં હજારો લોકો માર્યા ગયા છે અને લાખો લોકો વિસ્થાપિત થયા છે.યુક્રેનના પ્રમુખ ઝેલેન્સકીએ આ અઠવાડિયે કહ્યું હતું કે,રશિયાએ બીજા વિશ્વયુદ્ધ પછીના યુરોપના સૌથી મોટા સંઘર્ષને સમાપ્ત કરવાની જરૂર છે.તે તરફ એક પગલું ભરવું જોઈએ અને નાતાલ સુધીમાં યુક્રેનમાંથી તેની સેના પાછી ખેંચવાનું શરૂ કરવું જોઈએ.રશિયાએ ઝેલેન્સકીના સૈન્ય પાછા ખેંચવાના કોલને નકારી કાઢ્યો છે અને કિવને નવી પ્રાદેશિક “વાસ્તવિકતાઓ” સ્વીકારવા તૈયાર રહેવા જણાવ્યું છે.