Site icon Revoi.in

બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે મોટી સંખ્યામાં સરહદ ઉપર ઉમટ્યાં, 500 વ્યક્તિઓએ ભારતમાં ઘુસવાનો કર્યો પ્રયાસ

Social Share

નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં રાજકીય અરાજકતા અને અશાંતિ વચ્ચે પંચગઢ જિલ્લાના ગામડાઓમાંથી ઓછામાં ઓછા 500 બાંગ્લાદેશી નાગરિકોએ ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના જવાનોએ તેમને પશ્ચિમ બંગાળના જલપાઈગુડી નજીક ભારતીય સરહદમાં પ્રવેશતા અટકાવ્યા હતા.

બાંગ્લાદેશી નાગરિકોનું કહેવું છે કે, દેશમાં ચાલી રહેલી હિંસા વચ્ચે તેમના ઘરોમાં તોડફોડ કરવામાં આવી છે. શેખ હસીનાએ પ્રધાનમંત્રીપદેથી રાજીનામું આપ્યું હોવા છતાં અશાંતિ ચાલુ હોવાથી તેઓ પોતાનો જીવ બચાવવા ભારતમાં આશરો લેવા માગે છે. પશ્ચિમ બંગાળના કૂચ બિહાર જિલ્લામાં ચાંગેરા બંધા ઇમિગ્રેશન ચેકપોસ્ટ પર મંગળવારે એક બાંગ્લાદેશી યુગલ નકલી ભારતીય દસ્તાવેજો સાથે સરહદની આ બાજુ પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે પકડાયું હતું. દંપતીની ઓળખ ઈનામુલ હક સોહેલ અને તેની પત્ની સંજીદા ઝીના ઈલાહી તરીકે થઈ છે. જો કે, ભારતે પાછળથી તેને “ટૂંકા ગાળા” માટે રહેવાની મંજૂરી આપી.

વાસ્તવમાં બાંગ્લાદેશમાં નોકરીમાં અનામતના વિરોધમાં વિદ્યાર્થીઓના વિરોધે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. વિદ્યાર્થીઓનું પ્રદર્શન હિંસક બન્યું હતું. સ્થિતિ એવી બની કે પ્રધાનમંત્રી શેખ હસીનાએ સોમવારે રાજીનામું આપીને દેશ છોડવો પડ્યો. તે હાલમાં ભારતમાં છે. ભારતમાં તેમના આગમન પછી તોફાનીઓએ બાંગ્લાદેશમાં ભારે હાહાકાર મચાવ્યો હતો. સરકારી મિલકતોને નુકસાન થયું હતું. તેઓ પ્રધાનમંત્રીના આવાસમાં ઘૂસી ગયા હતા અને તોડફોડ કરી હતી. આ સાથે જોડાયેલા ઘણા વીડિયો પણ સામે આવ્યા છે.