ઇમ્ફાલ : મણિપુરમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. મંગળવારે થૌબલ જિલ્લામાં પણ અથડામણ જોવા મળી હતી. જ્યાં ટોળાએ કથિત રીતે ભારતીય રિઝર્વ ફોર્સ (IRB)ના કેમ્પમાંથી હથિયારો અને દારૂગોળો લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. ભીડને રોકવા માટે સુરક્ષાકર્મીઓએ હવામાં ગોળીબાર કર્યો હતો, જેમાં 27 વર્ષીય યુવકનું મોત થયું હતું.
અધિકારીઓએ જણાવ્યું કે ટોળાએ શસ્ત્રો અને દારૂગોળો લૂંટવા ખંગાબોક વિસ્તારમાં 3જી IRB બટાલિયનના કેમ્પ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. ટૂંક સમયમાં જ સુરક્ષા દળોએ ભીડને કાબૂમાં લેવા માટે પહેલા ટીયર ગેસના શેલ અને રબર બુલેટનો ઉપયોગ કર્યો. જેમ જેમ સશસ્ત્ર ટોળાએ ગોળીબાર કર્યો, દળોએ પણ જવાબી કાર્યવાહી કરી.
આ દરમિયાન એક યુવકને ગોળી વાગી હતી. આ સાથે આસામ રાઈફલ્સના એક જવાનને પણ પગમાં ગોળી વાગી હતી. ટોળાએ સેનાના વાહનને પણ આગ ચાંપી દીધી હતી. આ યુવકનું નામ રોનાલ્ડો છે, જેને ગોળી વાગ્યા બાદ થોબલ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં તેની ગંભીર હાલતને કારણે તેને ઈમ્ફાલની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો, જ્યાં તેનું રસ્તામાં જ મોત થયું હતું. અન્ય 10 લોકો ઘાયલ પણ થયા છે. હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે.
સેનાના એક અધિકારીએ જણાવ્યું કે, 4 જુલાઈના રોજ, સુરક્ષા દળોએ મણિપુરના થોબલ જિલ્લાના ખંગાબોક ખાતે ઈન્ડિયા રિઝર્વ બટાલિયનમાંથી હથિયારો લૂંટવાના પ્રયાસને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યો હતો. નિષ્ફળ પ્રયાસ દરમિયાન એક તોફાની માર્યો ગયો, જ્યારે કેટલાક અન્ય ઘાયલ થયા. વધારાના દળોની હિલચાલને રોકવા માટે ટોળાએ નાકાબંધી કરી દીધી હતી. જોકે, આસામ રાઈફલ્સ અને રેપિડ એક્શન ફોર્સના વધારાના જવાનોએ પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.
મેતેઇ સમુદાયની અનુસૂચિત જનજાતિ (ST) દરજ્જાની માંગના વિરોધમાં 3 મેના રોજ પહાડી જિલ્લાઓમાં ‘આદિવાસી એકતા કૂચ’નું આયોજન કરવામાં આવ્યા બાદ રાજ્યમાં પ્રથમ વખત હિંસા ફાટી નીકળી હતી. અત્યાર સુધીમાં 100 થી વધુ લોકોના મોત થયા છે અને કેટલાય લોકો ઘાયલ થયા છે. સાથે જ હજારો લોકોએ રાહત શિબિરોમાં આશરો લીધો છે.