Site icon Revoi.in

બાંગ્લાદેશમાં હિંસક અથડામણ વચ્ચે પરિવર્તનના ભણકારા, શેખ હસીનાએ રાજીનામું આપી દેશ છોડ્યો !

Social Share

બાંગ્લાદેશમાં સરકાર વિરોધી દેખાવો વચ્ચે ફાટી નીકળેલી હિંસા હવે ઉગ્ર બની છે. આ દરમિયાન બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ દેશ છોડ્યો હોવાના અહેવાલો છે. દરમિયાન બાંગ્લાદેશી સૈન્ય અધિકારીએ જણાવ્યું હતું કે વધતી અશાંતિ વચ્ચે વડા પ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપી દીધું હતું અને બાંગ્લાદેશ છોડી દીધું હતું. આ સાથે તેમની 15 વર્ષની સત્તાનો અંત આવ્યો હતો. દરમિયાન શેખ હસીના પીએમ પદ ઉપરથી રાજીનામું આપ્યું બાદ હેલિકોપટર મારફતે ભારત તરફ આવવા રવાના થયાં હતા. એટલું જ નહીં તેઓ બ્રિટનમાં આશરો લે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. બીજી તરફ બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાએ દેશ છોડ્યા પછી સ્થિતિ વધુ ખરાબ છે, એક અખબારના અહેવાલ મુજબ, પ્રદર્શનકારીઓએ આજે ​​બપોરે 3:00 વાગ્યે ગોનો ભવનના દરવાજા ખોલ્યા અને વડા પ્રધાનના નિવાસસ્થાનના પરિસરમાં પ્રવેશ્યા હતા. શેખ હસીનાના ઘરમાં ઘુસેલા દેખાવકારો કોફી મશીન, પોટ્સ, ફર્નિચર અને અન્ય મોંઘી વસ્તુઓ લઈ જતા કેમેરામાં કેદ થયાં હતા.

બાંગ્લાદેશના આર્મી ચીફ વકાર-ઉર-ઝમાને સોમવારે PC દરમિયાન જણાવ્યું હતું કે PM શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે. વચગાળાની સરકાર દેશનું સંચાલન કરશે. સેના દેશમાં શાંતિ પુનઃસ્થાપિત કરશે. આવી સ્થિતિમાં અમારી અપીલ છે કે નાગરિકોએ હિંસા ન કરવી જોઈએ. અમે છેલ્લા કેટલાક અઠવાડિયામાં થયેલી હત્યાઓની તપાસ કરીશું. દરમિયાન બાંગ્લાદેશમાં સર્જાયેલી પરિસ્થિતિ ઉપર ભારત સરકાર પણ સતત નજર રાખી રહ્યું છે. આ ઉપરાંત ભારતીય જવાનોએ બાંગ્લાદેશ સરહદ ઉપર સુરક્ષામાં વધારો કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશમાં લાંબા સમયથી અનામતને લઈને યુવાનો દેખાવો કરી રહ્યાં છે. દરમિયાન છેલ્લા કેટલાક દિવસથી દેખાવકારો પીએમ શેખ હસીનાના રાજીનામાની માંગણી સાથે રસ્તા ઉપર ઉતરી આવ્યાં હતા. દરમિયાન સુરક્ષા જવાનોએ તેમને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં પરિસ્થિતિ વણસી હતી. આ દેખાવો દરમિયાન અત્યાર સુધી 100થી વધારે વ્યક્તિઓના મોત થયાં છે.