દેશભરમાં ઓક્સિજનના અભાવ વચ્ચે હવે હરિદ્વાર સ્થિત BHEL એ ઓક્સિજન વિતરણ કરવાનુ શરુ કર્યું
- ઓક્સિજનની અછત વચ્ચે ભેલ હવે મદદે આવી
- સમગ્ર દેશમાં ઓક્સિજન કરશે સપ્લાય
- અહી બનતું ઓક્સિજન માત્ર ભેલ માટે જ વપરાતું હોય છે
- કોરોનાની કપરિ સ્થિતિને જોઈને ભેલ એ લીધો નિર્ણય
દિલ્હીઃ-સમગ્ર દેશમાં ઓક્સિજનને લઈને હાહાકાર મચ્યો છે, અનેક રાજ્યો કેન્દ્ર પાસે ઓક્સિજની માગ કરી રહ્યા છે ત્યારે આવી કપરી સ્થિતિ વચ્ચે ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ હરિદ્વારે દેશભરમાં ઓક્સિજનની અછત વચ્ચે પ્લાન્ટમાંથી ઉત્પન્ન થતા ઓક્સિજનનું વિતરણ કરવાનું શરૂ કર્યું છે. આ ઓક્સિજન ફક્ત તબીબી સંસ્થાઓને સરકારી દરે ઉપલબ્ધ કરવામાં આવશે. હમણાં સુધી, અહીં ઉત્પાદિત ઓક્સિજનનો ઉપયોગ માત્રને માત્ર ભેલમાં જ કરવામાં આવતો હતો.
ઓક્સિજનના અભાવના કારણે જીવ ગુમાવનારા કોરોના સંક્રમિત લોકોના જીવ બચાવવા માટે ભેલ પ્રશાસન આગળ આવ્યું છે. ભેલ દ્વારા તેના બન્ને ઓક્સિજન પ્લાન્ટમાંથી એક પ્લાન્ટનો તમામ ઓક્સિજન તબીબી સંસ્થાઓને આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભેલ વહીવટીતંત્ર દ્વારા ગેસ વિતરણનું લાયસન્સ પણ મેળવી લીધુ છે.
આ સાથે, 250 ક્યુબિક મીટરની ક્ષમતાવાળા હેવી ઇલેક્ટ્રિકલ્સ ઇક્વિપમેન્ટ પ્લાન્ટમાં ઉત્પન્ન થયેલ તમામ ઓક્સિજન, હોસ્પિટલો, નર્સિંગ હોમ્સ વગેરે તબીબી સેવાઓ માટે ઉપલબ્ધ કરવામાં આવશે. ભેલના પીઆર વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, સરકાર દ્વારા નિર્ધારિત મુજબ, ઘન મીટર દીઠ રૂ. 25.71 ના દરે ઓક્સિજન પૂરો પાડવામાં આવશે. દોઢ મીટરનું સિલિન્ડર 38 રૂપિયામાં અને છ મીટરનું સિલિન્ડર 154 રૂપિયામાં ભરવામાં આવશે.
આ સાથે જ ઓક્સિજનની ઉપલબ્ધતા 24 કલાક રહેશે, પરંતુ ઓક્સિજન લેનારાઓએ નોડલ ઓફિસર તરીકે નિમણૂક કરાયેલા પીકે શ્રીવાસ્તવને આ બાબતે જાણ કરવાની રહેશે. તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી ઓક્સિજન આપવામાં આવશે.ભેલ દ્વારા લેવામાં આવેલું આ પગલું ઓક્સિજનના અભાવને દૂર કરવા માટે કોરોનાના દર્દીઓને મોટી રાહત આપશે.
રાજ્યમાં સ્થિત ઓક્સિજન પ્લાન્ટોને 24 કલાક અવિરત વીજ પુરવઠો પૂરો પાડવામાં આવશે. ઉત્તરાખંડ પાવર કોર્પોરેશન લિમિટેડના એમડીએ આ આદેશો આપ્યા છે. તેમણે વીજ પુરવઠો સુનિશ્ચિત કરવા માટે બે નોડલ અધિકારીઓને પણ તૈનાત કર્યા છે, જે રોજ એમડીને રિપોર્ટ કરશે.
ઉલ્લેખનીય છે કે હાલ દેશમાં ઓક્સિજનની ભારે માત્રામાં અનિવાર્યતા છે ત્યારે ભેલે લીઘુ આ પગલું સરહાનિય ગણાઈ રહ્યું છે, મુસીબતના સમયમાં ભેલ દ્રારા દેશભરમાં ઓક્સિજન સપ્લાય કરવાથી કોરોનાના દર્દીઓને મોટી રાહત મળશે.
સાહિન-