મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે શિવસેનાની બેઠકમાં માત્ર 13 ધારાસભ્યોની હાજરી
- રાજકીય સંકટ વચ્ચે બેઠક યોજાઈ
- બેઠકમાં હાલની પરિસ્થિતિ અંગે ચર્ચા થઈ
મુંબઈઃ મહારાષ્ટ્રમાં સીએમ ઠાકરે સરકાર ઉપર રાજકીય સંકટ ઉભુ થયું છે દરમિયાન શિવસેનાના નારાજ 42 જેટલા ધારાસભ્ય પોતાની સાથે હોવાનો એકનાથ શિંદેએ દાવો કર્યો હતો. તેમજ સાત જેટલા અપક્ષ ધારાસભ્યોએ પણ સમર્થન આપ્યાનો દાવો કર્યો છે. દરમિયાન હવે ઉદ્ધવ ઠાકરે સાથે આંગળીના વેઢે ગણી શકાય એટલા શિવસેનાના ધારાસભ્યો છે. શિવસેનાની બેઠકમાં શિવસેનાના 12 ધારાસભ્યો પહોંચ્યાં હતા. જ્યારે આદિત્ય ઠાકરે ઓનલાઈન ઉપસ્થિત રહ્યાં હતા. મહારાષ્ટ્ર વિધાનસભામાં શિવસેનાના કુલ 55 ધારાસભ્યો છે.
સુત્રોના જણાવ્યા અનુસાર શિવસેનાના કેટલાક ધારાસભ્યોએ બળવો કરતા મહાવિકાસ અઘાડી સરકારના નેતાઓ દોડતા થઈ ગયા હતા અને ડેમેજ કન્ટ્રોલ માટે કવાયત શરૂ કરી હતી. બીજી તરફ મહાવિકાસ અઘાડીના સભ્ય શિવસેના, કોંગ્રેસ અને એનસીપીમાં બેઠકનો દોર શરૂ થયો છે. દરમિયાન શિવસેનાની બેઠક મળી હતી. જેમાં અજય ચૌધરી, રવિન્દ્ર વાયકર, રાજન સાલવી, નીતિન દેશમુખ, ઉદય સામંત, સુનીલ રાઉત, સુનીલ પ્રભુ, દિલીપ લાંડે, રાહુલ પાટીલ, રમેશ કોરગાવકર, પ્રકાશ ફાતરપેકર તથા આદિત્ય ઠાકરે (માતોશ્રીથી ઓનલાઈન) ઉપસ્થિત રહ્યાં હતા. દરમિયાન એકનાથ શિંદેએ નારાજ 42 જેટલા ધારાસભ્યોનો ફોટો પણ શેર કર્યો હોવાનું જાણવા મળે છે. આમ શિવસેના ઉપર રાજકીય સંકટ વધારે ઘેરાયું છે. મહારાષ્ટ્રના સમગ્ર રાજકરણ ઉપર દેશની જનતાની નજર મંડાયેલી છે અને હવે બળવાખોરો અને સીએમ ઉદ્ધવ ઠાકરે શું સ્ટેન્ડ લે છે તે જોવાનું રહેશે.