ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિ વચ્ચે 156 પાલિકાને રૂ. 17.10 કરોડની સહાય જાહેર કરાઈ
- વરસાદી પાણીની સાફ-સફાઈ માટે સહાય
- પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા પુરી પાડવા તાકીદ
- અ-વર્ગની 22 નગરપાલિકાને પાલિકા દીઠ રૂ.20 લાખની સહાય
અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના પગલે અનેક વિસ્તારમાં પુરની પરિસ્થિતિ ઉભી થઈ છે અને અનેક ગામોમાં વરસાદી પાણી ફરી વળ્યાં છે. દરમિયાન રાજ્યમાં ચારેકોર ભારે વરસાદને પગલે રાજ્ય સરકારે એક મોટી જાહેરાત કરી છે. રાજ્ય સરકારે 156 પાલિકાને 17.10 કરોડની સહાય જાહેર કરી છે.
રાજ્યમાં ભારે વરસાદને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી હતી કે, 156 પાલિકાને 17.10 કરોડની સહાય જાહેર કરી છે. નગરોમાં વરસાદી પાણી ભરાતા સાફ-સફાઇ માટે આ સહાય જાહેર કરાઇ છે. આ સહાય દ્વારા જંતુનાશક દવાઓનો છંટકાવ, ઘન કચરાના નિકાલ માટે વ્યવસ્થા કરાશે. આ સાથે પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવશે.
અ-વર્ગની 22 નગરપાલિકાને પાલિકા દીઠ રૂ.20 લાખની સહાય, બ-વર્ગની 30 નગરપાલિકાને પાલિકા દીઠ રૂ.15 લાખની સહાય, ક-વર્ગની 60 નગરપાલિકાને પાલિકા દીઠ રૂ.10 લાખની સહાય અને ડ-વર્ગની 44 નગરપાલિકાને પાલિકા દીઠ રૂ.5 લાખની સહાય જાહેર કરાઈ છે.
છેલ્લા એક સપ્તાહથી સમગ્ર રાજ્ય સહિત દક્ષિણ ગુજરાતમાં પડી રહેલા ધુંઆધાર વરસાદના કારણે સમગ્ર રાજ્યમાં ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે. તેમાંય વાત કરીએ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદના કારણે પુર જેવી પ્રવર્તી રહી છે.