Site icon Revoi.in

યુદ્ધ વચ્ચે ઇઝરાયેલના પીએમ નેતન્યાહૂએ જો બાઇડન સાથે ટેલિફોનિક વાતચીત કરી

Social Share

નવી દિલ્હીઃ હમાસ અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ લંબાયું છે, ઈઝરાયલ આતંકવાદી સંગઠન હમાસને સમર્થન આપતા હિઝબુલ્લાહ, હુથી સહિતના સંગઠનોને ટાર્ગેટ બનાવીને હુમલા કરી રહ્યાં છે. જેથી મીડલ ઈસ્ટમાં હાલ યુદ્ધની સ્થિતિ વધુ વણસી રહી છે. બીજી તરફ દુનિયાના તમામ દેશોની નજર હાલ મીડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ ઉપર મંડાયેલી છે. દરમિયાન ઇરાન સાથે વધી રહેલા તણાવ વચ્ચે ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ જો બાઇડન સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. વ્હાઇટ હાઉસના મીડિયા પ્રવક્તાએ એક નિવેદનમાં આ વાતચીતની ‘સ્પષ્ટ’ અને ‘ફળદ્રુપ’ ગણાવી હતી.

તેમણે જણાવ્યું કે બંને નેતાઓ વચ્ચે ઇરાન પર ગત સપ્તાહે કરાયેલી ઇઝરાયેલની કાર્યવાહી અંગે ચર્ચા થઈ હતી. 30 મિનિટના આ કૉલ પછી ઇઝરાયેલના સંરક્ષણ પ્રધાને એક વીડિયો જાહેર કર્યો હતો, જેમાં ઈરાને 1 ઑક્ટોબરના રોજ કરેલા હુમલા સામે ઘાતક બદલો લેવાની ચીમકી ઉચ્ચારી હતી. ઇરાને કરેલા હુમલામાં 180 જેટલી બેલેસ્ટિક મિસાઇલનો ઉપયોગ કર્યો હતો, જેને કારણે ઇઝરાયેલના ઘણા એરબેસ અને રહેણાંક વિસ્તારોને નુકસાન પહોંચ્યું હતું. જોકે જાનમાલનું નુકસાન થયું ન હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, 7મી ઓક્ટોબર 2023ના રોજ હમાસના આતંકવાદીઓએ ઈઝરાયલ ઉપર હુમલો કર્યો હતો. હમાસના આતંકવાદીઓએ ખુનીખેલ ખેલીને 1200થી વધારે ઈઝરાયલીઓની હત્યા કરી હતી. આ ઘટનાને પગલે ઈઝરાયલે હમાસના આતંકવાદીઓને ખતમ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. તેમજ ગાઝા પટ્ટી ઉપર ઈઝપરાયલ દ્વારા સતત હવાઈ હુમલા કરવામાં આવી રહ્યાં છે.