પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ- ઈકબાલગઢ વિસ્તારમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાતા અસહ્ય બફારા સાથે વરસાદી માહોલમાં લોકો પરેશાન બની ગયા છે. ખરા સમયે વીજ પુરવઠો ખોરવાતા વીજતંત્રની ઓફિસમાં રજુઆત છતાં કોઈ જવાબ આપતા નથી, બે દિવસથી સાંજના સમયે માત્ર વરસાદી છાંટા પડતા અમીરગઢ-ઈકબાલગઢ સહીતના વિસ્તારોમાં વીજ પુરવઠો કાપતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં કોઈપણ જાતની જાણ કર્યા વિના વીજ પૂરવઠામાં કાપ મૂકતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગામડાઓમાં વીજ કંપનીઓના આવા ધાંધિયાથી ખેડુતો પણ પરેશાન બની ગયા છે. અમીરગઢ અને ઈકબાલગઢ પંથકમાં વરસાદી માહોલ જામે અને થોડીક હવા ફૂંકાય અને સામાન્ય વરસાદના છાંટા પડે એટલે વીજ પુરવઠો ખોરવાઈ જાય છે. હજુ વરસાદની શરૂઆત થઈ છે અને ગરમી તેનો પ્રકોપ વર્તાવી રહી છે ત્યારે ભર બપોરે અને મોડી રાત્રીના લાઈટ કાપી દેવામાં આવતા રહીશો આવી કાળઝાળ ગરમીમાં નિરાંતે ઊંઘી પણ શકતા નથી. વીજળી ડુલ થયા પછી અને વરસાદે ખમૈયા કર્યા બાદ પણ લાઈટ આપવામાં આવતી નથી. આ વિસ્તારના લાઈટ મેનની ફરજ નિભાવતા કર્મચારીઓ તરફથી સંતોષકારક જવાબ પણ મળતો નથી અને ઇકબાલગઢ ખાતે આવેલી જી.ઈ.બી. ઓફિસમાં કોઈ ફોન ઉપાડવા તૈયાર નથી માટે લોકોને શું કરવું? કોની પાસે રજૂઆત કરવી એ પણ પ્રશ્ન છે. આ વિસ્તારના સ્થાનિક રાજકીય નેતાઓ પણ નિષ્ક્રિય જોવા મળી રહ્યા છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, જિલ્લાના અન્ય તાલુકામાં પણ વીજ પુરવઠામાં વિક્ષેપ સર્જાવવાના બનાવો સામાન્ય બની ગયા છે. વરસાદના માત્ર છાંટણા પડે કે તરત જ વીજ પુવઠો ખોરવાઈ જાય છે. સાંજના વાળુ ટાણે પણ વીજળી જતી રહે છે, તેથી લોકો પરેશાન ની રહ્યા છે.