અમિત પંધાલ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપના ફાઈનલમાં પહોંચનારો પહેલો ભારતીય પુરુષ ખેલાડી
- પંધાલે 52 કિ.ગ્રા. શ્રેણીમાં સાકેન બિબોસિનોવને 3-2થી હરાવ્યો
- મનીષ કૌશિક 63 કિ.ગ્રા. શ્રેણીની સેમિફાઈનલમાં હારી ગયો
- વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતને પહેલીવાર બે ચંદ્રક
બોક્સર અમિત પંધાલ રશિયાના એકાતેરિનબર્ગમાં યોજાઈ રહેલી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં શુક્રવારે 52 કિલોગ્રામ શ્રેણીની ફાઈનલમાં પહોંચી ગયો છે. તે આ ટૂર્નામેન્ટમાં ફાઈનલમાં પહોંચનાર પહેલો ભારતીય ખેલાડી છે. તેણે સેમિફાઈનલમાં કજાકિસ્તાનના સાકેન બિબોસિનોવને હરાવ્યો હતો. ફાઈનલમાં શનિવારે તેનો મુકાબલો ઉઝ્બેકિસ્તાનના શાખોબિદિન જોઈરોવ સાથે થશે.
બીજી તરફ 63 કિલોગ્રામની શ્રેણીમાં મનીષ કૌશિક સેમિફાઈનલમાં ક્યૂબાના એન્ડી ક્રૂઝની સામે હારી ગોય હતો. તેને બ્રોન્ઝ મેડલથી જ સંતોષ માનવો પડયો હતો.
વર્લ્ડ ચેમ્પિયનશિપમાં અમિતને આ પહેલો ચંદ્રક મળ્યો છે. તે એશિયન ગેમ્સમાં સુવર્ણ ચંદ્રક જીતી ચુક્યો છે. ભારત પહેલીવાર એક વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બે ચંદ્રક મેળવવામાં સફળ રહ્યું છે. આના પહેલા વિજેન્દ્રસિંહે 2009માં, વિકાસ કૃષ્ણને 2011, શિવ થાપાએ 2015 અને ગૌરવ બિધૂડીએ 2017માં કાંસ્ય ચંદ્રક જીતવામાં સફળતા મેળવી હતી.
સેમિફાઈનલમાં જીત્યા બાદ અમિતે કહ્યુ હતુ કે જેટલું વિચારીને આવ્યો હતો, તેનાથી ઘણું વધારે જોર લગાવવું પડયું મારા સાથીદારોએ ઘણો સપોર્ટ કર્યો છે. તેના માટે હું સૌનો ધન્યવાદ કરવા ઈચ્છીશ. આપણી મુક્કાબાજી માટે આ ઘણી મોટી સિદ્ધિ છે. હું સંપૂર્ણ કોશિશ કરીશ કે આપણા દેશ માટે ગોલ્ડ મેડલ જીતી શકું.