તમામ ધર્મના લોકોએ સ્કૂલ યુનિફોર્મ અપનાવવો જોઈએ- હિજાબ વિવાદ પર ગૃહમંત્રી અમિત શાહ
- કર્ણાટક હિજાબ વિવાદ
- ગૃહમંત્રી અમિત શાહનું નિવેદન
- કહ્યું તમામ ધર્મના લોકોએ સ્કૂલ યુનિફોર્મ અપનાવવો જોઈએ
દિલ્હી: હિજાબ વિવાદને લઈને હવે દેશ તથા વિદેશમાંથી પણ લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. હિજાબ વિવાદને લઈને મોટા નેતાઓ દ્વારા પણ પોતાનો અભિપ્રાય આપવામાં આવી રહ્યો છે ત્યારે દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા પણ કહેવામાં આવ્યું કે તમામ ધર્મના લોકોએ સ્કૂલ યુનિફોર્મ અપનાવવો જોઈએ. તથા તેનું પાલન કરવું જોઈએ. દેશ બંધારણના આધાર પર ચાલશે.
સોમવારે પણ કર્ણાટક હાઈકોર્ટમાં હિજાબને લઈને સુનાવણી થઈ હતી. આ દરમિયાન રાજ્ય સરકારે હાઈકોર્ટમાં કહ્યું કે, હિજાબ એક જરૂરી ધાર્મિક પરંપરા નથી અને ધાર્મિક નિર્દેશોને શૈક્ષણિક સંસ્થાઓની બહાર રાખવા જોઈએ.
મહત્વનું છે કે હિજાબ વિવાદ શૈક્ષણિક સંસ્થાઓમાં તે સમયે તણાવનું કારણ બની ગયો જ્યારે કેટલીક વિદ્યાર્થિનીઓએ તેને ક્લાસની અંદર પહેરવાની મંજૂરી માંગી, જ્યારે હિન્દુ વિદ્યાર્થીઓએ ભગવા સ્કાર્ફ પર ભાર આપ્યો હતો.
સરકારે કહ્યું કે, હિજાબ મામલામાં અરજીકર્તા ન માત્ર તેને પહેરવાની મંજૂરી માંગી રહી છે, પરંતુ તે જાહેરાત પણ ઈચ્છે છે કે તેને પહેરવું ઇસ્લામને માનનાર તમામ લોકો પર ધાર્મિક રૂપથી બાધ્યકારી છે.
ઉલ્લેખનીય છે કે કેટલાક લોકો દ્વારા આ મુદ્દે રાજનીતિ અને પોતાનું વોટબેન્ક બનાવવાનું પણ શરૂ કરી દેવામાં આવ્યું છે અને તેના કારણે કેટલાક સ્થળો પર વિવાદ વધારે વકરી રહ્યો છે. હિજાબ વિવાદની સાથે ગુજરાત તથા કર્ણાટકમાં બે હિંદુ યુવકોને મોતને ઘાટ પણ ઉતારી દેવામાં આવ્યા હતા.