નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગના બનાવોમાં વધારો થતા કેન્દ્ર સરકાર પણ હરકતમાં આવી છે. દરમિયાન આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં દિલ્હીમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલીંગની ઘટનાઓને લઈને મહત્વના નિર્દેશ કર્યા હોવાનું જાણવા મળે છે.
દિલ્હીમાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, NSA અજીત ડોભાલ, આર્મી ચીફ જનરલ મનોજ પાંડે, કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લા, DG CRPF કુલદીપ સિંહ, બોર્ડર સિક્યોરિટી ફોર્સના વડા પંકજ સિંહ, જમ્મુ-કાશ્મીર DGP દિલબાગ સિંહ અને અન્ય મહત્વના અધિકારીઓ હાજર રહ્યા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠકમાં અમિત શાહે કહ્યું કે, કાશ્મીરી હોય કે બિન-કાશ્મીરી સુરક્ષા માટે કડક વ્યવસ્થા કરવામાં આવે. સ્થાનિક સ્તરે ગુપ્તચર માહિતી અને સુરક્ષા કવચ વધુ વધારવું જોઈએ. કાશ્મીરમાં એવા વિસ્તારોની ઓળખ કરવી જોઈએ જ્યાં આવી ઘટનાઓ બની શકે. આતંક ફેલાવનારા લોકો સાથે કડક કાર્યવાહી થવી જોઈએ અને કોઈપણ કિંમતે તેમને બક્ષવામાં નહીં આવે. ગૃહમંત્રીને બેઠક દરમિયાન કહેવામાં આવ્યું હતું કે, આ સમગ્ર મામલે આતંકવાદ વિરોધી ગ્રીડ સંપૂર્ણ રીતે સક્રિય છે.
કાશ્મીરમાં આતંકવાદીઓ નાગરિકો અને સરકારી કર્મચારીઓને નિશાન બનાવી રહ્યા છે. ગુરુવારે જ આતંકવાદીઓએ ઘાટીમાં બે ઘટનાઓને અંજામ આપ્યો હતો. બડગામ જિલ્લામાં આતંકવાદીઓએ બે મજૂરોને ગોળી મારી હતી. આ હુમલામાં એક મજૂરનું મોત થયું હતું. આ પહેલા આતંકવાદીઓએ ઘાટીમાં એક બેંક કર્મચારીની હત્યા કરી હતી.