- કેરળમાં પ્રાર્થના સભામાં અનેક વિસ્ફોટ
- વિસ્ફોટમાં 1નું મોત, ઘણા લોકો ઘાયલ
- બ્લાસ્ટ બાદ અમિત શાહ એક્શન મોડમાં
- NIA અને NSGને તપાસના આપ્યા આદેશ
દિલ્હી: કેરળના કોચીમાં એક સંમેલન કેન્દ્રમાં યહોવાના સાક્ષીઓની પ્રાર્થના સભામાં એક પછી એક અનેક વિસ્ફોટો થયા. આ બ્લાસ્ટમાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 36 લોકો ઘાયલ થયા છે. આ વિસ્ફોટ બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એક્શનમાં આવ્યા છે.તેમણે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) અને નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG)ની ટીમને કેરળ મોકલવા અને તપાસ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે.
પોલીસે જણાવ્યું કે રવિવારે સવારે કેરળના કોચી જિલ્લાના કલામસેરી વિસ્તારમાં યહોવાના સાક્ષીઓની પ્રાર્થના સભા ચાલી રહી હતી. આ દરમિયાન અનેક વિસ્ફોટ થયા. કલામસેરી સીઆઈ વિબીન દાસે જણાવ્યું હતું કે, પ્રથમ વિસ્ફોટ સવારે 9 વાગ્યાની આસપાસ થયો હતો અને ત્યારપછીના એક કલાકમાં અનેક વિસ્ફોટો થયા હતા.
નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG) એ વિસ્ફોટમાં વપરાતી સામગ્રીને એકત્રિત કરવા અને તેની તપાસ કરવા માટે દિલ્હીથી કેરળમાં તેના એક બોમ્બ નિકાલ યુનિટને રવાના કર્યા છે.અહેવાલ મુજબ,બોમ્બ વિસ્ફોટની તપાસ માટે એક અધિકારી સહિત NSGની આઠ સભ્યોની ટીમ કેરળ જઈ રહી છે. તેઓ આજે સાંજ સુધીમાં બોમ્બ વિસ્ફોટના સ્થળે પહોંચી જાય તેવી શક્યતા છે.